મુંબઇઃ થાણે અને પાલઘરના પાડોશી જિલ્લામાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન અને બસ સેવાઓ ખોરવાઈ હતી.
ચેમ્બુર, પરેલ, હિંદમાતા, વડાલા અને મુંબઇના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર છે. સવારે પાલઘરમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવે રૂટ પર ટ્રેનોની અવર-જવર વિક્ષેપિત થઈ હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, બે કલાકમાં 266 મીમી વરસાદને કારણે સવારે 5.40થી સવારે 7.10 વાગ્યા સુધી પાલઘર તરફ જતી ટ્રેનોની અવરજવર "સાધારણ વિક્ષેપિત" રહી હતી.
આઇએમડીના અંદાજ મુજબ, મંગળવારે ઉત્તર ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે અરબી સમુદ્રમાં નીચા સ્તર પર દક્ષિણી હવા વધુ તીવ્ર થઈ ગઇ છે. તેના કારણે મુંબઈ અને આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ”બૃહદમ્નમ્બાઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, મંગળવારની રાતથી પશ્ચિમ પરામાં 82.43 મીમી વરસાદ થયો છે. આ પછી પૂર્વીય પરામાં 69.11 મીમી વરસાદ નોંધાયો હતો.