નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ છે, ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 18,601 કેસ સામે આવ્યાં છે. જેમાં 14, 759ની સારવાર ચાલી રહી છે. જ્યારે 3252 લોકો સ્વસ્થ થયા છે, તો બીજી તરફ 590 લોકોના મોત થયા છે.
લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતાં. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના 1000થી વધુ કેસ આવ્યા હોય. આ પહેલા રવિવારે 1580 અને શનિવારે 1371 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. દેશમાં કોરોનાના 9329 દર્દી છેલ્લા આઠ દિવસમાં જ વધ્યા છે. મંગળવારે ગુજરાતમાં 127, પશ્વિમ બંગાળમાં 53, રાજસ્થાનમાં 52, આંધ્રપ્રદેશમાં 35, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 7, પંજાબ અને ઓરિસ્સામાં 5-5 જ્યારે મેઘાલયમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.