ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હાલ કોરોનાની કહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 39 કેસ સામે આવી ચુક્યા છે, ત્યારે સંપૂર્ણ ભારતને 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કોરોના વાઇરસના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાઇરસની તમામ માહિતી મળી રહે તે માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.
જો કોઈ વ્યક્તિએ કોરોના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો '7433000104' આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે, ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.
રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે. કોરોના વાઇરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે