ગુજરાત

gujarat

By

Published : Jul 30, 2020, 8:19 PM IST

ETV Bharat / bharat

સરકારનાં દેવાં: એક તરફ ખાઈ, એક તરફ આગ

બે દાયકામાં ભારતની આર્થિક પ્રગતિની ગાડી પૂરપાટ દોડે છે, જેનું ઈંધણ તમામ સ્તરે - કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને પરિવારોના દેવામાં વિશાળ વધારા દ્વારા પૂરું પડ્યું છે. લોકડાઉનને કારણે જબરદસ્ત ફટકો પડ્યો હોવા છતાં મોટા પાયે વિવિધ દેવાં કર્યાં હોય તેવાં રાજ્યોને તેનાથી પરોક્ષ મદદ મળી છે.

Government Borrowings: Dancing at the edge of the Cliff
સરકારનાં દેવાં: એક તરફ ખાઈ, એક તરફ આગ

ન્યૂઝ ડેસ્કઃ બે દાયકામાં ભારતની આર્થિક પ્રગતિની ગાડી પૂરપાટ દોડે છે, જેનું ઈંધણ તમામ સ્તરે - કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને પરિવારોના દેવામાં વિશાળ વધારા દ્વારા પૂરું પડ્યું છે. લોકડાઉનને કારણે જબરદસ્ત ફટકો પડ્યો હોવા છતાં મોટા પાયે વિવિધ દેવાં કર્યાં હોય તેવાં રાજ્યોને તેનાથી પરોક્ષ મદદ મળી છે.

કેટલાંક રાજ્યો લોકડાઉન પહેલાં પણ નાદારીને આરે પહોંચી ગયાં હોય એટલી જોખમી સ્થિતિ ધરાવતાં હતાં - જેનું મુખ્ય કારણ ગેર વહીવટ તેમજ મતોનું રાજકારણ હતાં, જ્યાં રાજકીય પક્ષો ભવિષ્યના ભોગે આજે નાણાં વહેંચી રહ્યા હતા. આવી લાંબા ગાળે નુકસાનકારક પ્રવૃત્તિઓને લોકકલ્યાણ તરીકે ખપાવવામાં આવે છે. રાજ્યો હવે સતત ઊંચા વ્યાજ દરે નાણાં ઉછીનાં લે છે અને રોજગાર સર્જનને બદલે ઘણીવાર જૂની લોન ચૂકવવા અથવા યોજના માટે ભંડોળ પૂરું પારવા માટે આ ઉધાર નાણાંનો ઉપયોગ કરે છે. કોવિડને કારણે ફરજિયાત લોકડાઉનને પગલે આવાં રાજ્યોને પોતાનું બેજવાબદાર વર્તન ચાલુ રાખવાનું બહાનું મળી ગયું છે.

વધતો જતો દેવાં બોજો વર્ષ 2019-20 દરમ્યાન, કેન્દ્ર સરકારે લગભગ રૂા. 7 લાખ કરોડ ઉછીનાં મેળવ્યાં હતાં, જ્યારે રાજ્યોનાં કુલ દેવાં વધુ રૂા. 6.3 લાખ કરોડનાં હતાં, જે તેમનાં અંદાજપત્રીય અનુમાનો કરતાં ઘણાં વધુ હતાં. કેન્દ્ર સરકાર તેની જરૂરિયાતોમાંથી આશરે 80 ટકા ધિરાણો બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડો, પ્રોવિડેન્ટ ફંડ્સ, નાની બચતો વગેરે સહિતનાં નાણાં બજારોમાંથી મેળવે છે. કોવિડ પછી કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે ચાલુ નાણાં વર્ષમાં તેનાં અંદાજપત્રિય અનુમાન રૂા. છ લાખ કરોડનાં હતાં, જેની સામે તે કુલ રૂા. 12 લાખ કરોડ ઉછીનાં મેળવશે. જોકે, કેન્દ્ર સરકાનાં આ ધિરાણો પણ વાસ્તવિકતા કરતાં ઓછાં બતાવ્યાં હોય તેવું હોઈ શકે છે, કેમકે પહેલા ત્રણ મહિનામાં જ કેન્દ્ર સરકારે રૂા. 4.5 લાખ કરોડ ઉછીનાં મેળવ્યાં છે, જ્યારે રાજ્યોએ સ્ટેટ ડિપાર્ટમેન્ટ લોન્સ તરીકે રૂા. 1.8 લાખ કરોડ ઉધાર લીધાં છે તેમજ વધુ રૂા. 60,000 કરોડ આરબીઆઈના સપોર્ટ તરીકે ટૂંકા ગાળાનાં અન્ય ધિરાણો તરીકે મેળવ્યાં છે. સરકારના અનુમાનોને આધારે જીડીપી સામે દેવાંનો ગુણોત્તર લગભગ 68 ટકાથી વધીને 86 ટકા થવાની ધારણા છે. દેવાં-જીડીપી ગુણોત્તર ધ્યાનમાં લેવાનું ભારત જેવા દેશ માટે તેમજ હાલના સંજોગોમાં ઉપયોગી નહીં નીવડે કેમકે, (અ) જીડીપીમાં તીવ્ર ઘટાડાને પગલે સરખામણી વધુ ખરાબ બની અને, (બ) મોટા પાયે ગરીબીનો મતલબ કે દેવાંનો બોજો અંદાજ કરતાં અત્યંત ઓછા લોકોના માથે છે. આને પરિણામે એફઆરબીએમ એક્ટ હેઠળ વર્ષ 2023 સુધીમાં ડેટ-જીડીપીનો રેશિયો ઘટાડીને 60 ટકા કરવાનું ધ્યેય દીવાસ્વપ્ન જેવું બની જશે અને હવે ઓછામાં ઓછું 2033 સુધી તો આ ધ્યેય હાંસલ નહીં કરી શકાય.

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે કેન્દ્ર સરકારનાં ધિરાણો અને રાજ્ય સરકારનાં ધિરાણો વચ્ચે તફાવત છે. કેન્દ્ર સરકાર પાસે વિશાળ અસ્ક્યામતો છે અને કરવેરા જેવાં તમામ ઉપાયો પણ છે, જ્યારે રાજ્યો પાસે પોતાની આવક વધારવા માટે ગણ્યાં ગાંઠ્યા વિકલ્પો છે. એટલે, એ નોંધવું જરૂરી છે કે સરકાર ડિવેસ્ટમેન્ટના રસ્તે જઈને દેવાંના બોજને હળવો કરી શકે છે, પરંતુ રાજ્ય પાસે ભાગ્યે જ કોઈ અસ્ક્યામતો છે, કેમકે વર્ષ 1991થી રાજ્યોએ અસ્ક્યામતોના સર્જનમાં રોકાણ કર્યાં નથી, જ્યારે મોટા ભાગનાં રાજ્યો માંડ માંડ જાળવી શકે છે.

ટેબલ ઃ દેવાંનાં કેટલાક આંકડા (રૂા. કરોડમાં)

કુલ ચૂકવવાનાં બાકી દેવાં 1 2020થી 2025 દરમ્યાન પાકતી મુદત હોય તેવાં દેવાં 2 01.04.2020થી 21.07.2020 દરમ્યાન મેળવવામાં આવેલી અધિકૃત સ્ટેટ ડેવલપમેન્ટ લોન (એસડીએલ) 3 આરબીઆઈની સુવિધાઓ મેળવી હોય તેવા મહિનાઓની સંખ્યા 4 2019-20માં આરબીઆઈનો ઓવરડ્રાફ્ટ મેળવ્યો હોય તેવા મહિનાઓની સંખ્યા 5
કેન્દ્ર 94.62 11,27,958.36 લાગુ પડતું નથી લાગુ પડતું નથી લાગુ પડતું નથી
આંધ્રપ્રદેશ 3.41 92,611.6 16,000 11 7
તેલંગાણા 1.68 10,876.9 12,500 12 2
મહારાષ્ટ્ર 5.02 1,18,468.7 27,000 2 0
ઉત્તરપ્રદેશ 6.02 84,406.0 5,500 0 0
પશ્ચિમ બંગાળ 4.37 95,090.6 11,500 8 1
તામિલનાડુ 4.04 96,871.6 26,000 0 0
પંજાબ 2.29 54,111.7 4,200 12 7
ગુજરાત 3.25 73,172.6 7,500 0 0
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો 52.58 1,050,843.5 1,80,055 લાગુ પડતું નથી લાગુ પડતું નથી

સ્ત્રોત ઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ટાઈમ સીરીઝ ડેટા

1 ત્રિમાસિક અહેવાલ ઃ જાહેર દેવાં વ્યવસ્થાપન ઃ જાન્યુઆરી - માર્ચ, 2020 (ભારત સરકાર, નાણાં મંત્રાલય, રાજ્ય સરકારનાં દેવાં અંદાજપત્રિય અનુમાનો છે (આરબીઆઈ))

2 01.04.2020 પછીની ઉધાર બાકાત

3 આરબીઆઈ ટાઈમ સીરીઝ ડેટામાંથી ગણતરી

4 રાજ્યોને ટૂંકા ગાળાની સહાય આપવા માટે આરબીઆઈ પાસે ત્રણ ફાયનાન્સિયલ એકોમોડેશન પ્રોગ્રામ્સ છે ઃ સ્પેશિયલ ડ્રોઇંગ ફેસિલિટી (એસડીએફ), વેયઝ એન્ડ મીન્સ એડવાન્સીઝ (ડબલ્યુએમએ) અને ઓવરડ્રાફ્ટ (ઓડી) ફેસિલિટી. સ્ત્રોત ઃ આરબીઆઈ ટાઈમ સીરીઝ ડેટામાંથી ગણતરી (આરબીઆઈ મન્થ્લી બુલેટિન ઓકેઝનલ સીરીઝમાં ઉપલબ્ધ, ટેબલ 47)

5 સ્ત્રોત ઃ આરબીઆઈ ટાઈમ સીરીઝ ડેટામાંથી ગણતરી (આરબીઆઈ મન્થ્લી બુલેટિન ઓકેઝન્સ સીરીઝમાં ઉપલબ્ધ, ટેબલ 47)

અસર :

પહેલું મહત્ત્વનું પરિણામ એ છે કે ખર્ચ વધી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારની પણ આવક ઘટી રહી છે. કેન્દ્ર સરકાર સુધારેલા અંદાજપત્રિય અનુમાનોના પણ ફક્ત 90 ટકા આવક મેળવી શકી છે. માર્ચ, 2020માં કેન્દ્ર સરકાર આવક ફક્ત 65 ટકા ખર્ચ સરભર કરી શકાય તેટલી હતી. રાજ્યોની સ્થિતિ તો આનાથીયે ખરાબ હતી. ગયા વર્ષે જીએસટી મારફતે રૂા. 13.1 લાખ કરોડની આવક મેળવવાના લક્ષ્યાંક સામે રૂા. 10.58 લાખ કરોડની આવક થઈ. આ વર્ષે તેમને લગભગ 20 ટકા ઓછી આવક થશે તેવું અનુમાન છે. બીજું, સરકારનાં ધિરાણો એવા સમયે વધી રહ્યાં છે, જ્યારે મંદી છે અને કોવિડને કારણે અર્થતંત્રની જીવાદોરી સમાન ખાનગી ક્ષેત્રનાં મૂડી રોકાણોમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. કોવિડ અગાઉ પણ ખાનગી ક્ષેત્રનાં રોકાણો દાયકામાં સૌથી નીચા સ્તરે હતાં અને આ વર્ષે હજુ વધુ રૂા. ચાર લાખ કરોડનો ઘટાડો થશે તેવી ધારણા છે. આ બધું એવા સમયે બની રહ્યું છે, જ્યારે સરકારની ગેરંટી નહીં મળવાને કારણે નાગરિકો અને વેપારીઓ એટલા બધા ચિંતિત છે કે પોતાનાં નાણાં અર્થવ્યવસ્થામાંથી પાછાં ખેંચી રહ્યાં છે અને બેન્કોમાં જમા કરાવી રહ્યા છે. ભયનો અર્થ છે કે બેન્કો ખાનગી ક્ષેત્રને ધિરાણ આપવા રાજી નથી અને એવું માને છે કે સરકારને ધિરાણ આપવું વધુ સારું છે. ઉપરાંત, સરકારની માગણીઓનો અર્થ છે કે બેન્કો ખાનગી ક્ષેત્રના ભોગે સરકારોને ધિરાણ આપવા મજબૂર છે. આને પગલે ધિરાણ બજારોમાંથી ખાનગી ક્ષેત્રની બાદબાકી થતી જાય છે. ત્રીજું, મોટા ભાગનાં રાજ્યો નાણાંનું કાયદેસર રોકાણ કરી રહ્યા નથી, એટલે તેઓ ડિફોલ્ટ થાય (દેવાં પરત ન ચૂકવી શકે) તેવી વધુ સંભાવના છે અથવા તો તેઓ ડિફોલ્ટ ન જાય એ માટે કેન્દ્ર સરકારે તેમને મદદ કરવી પડે. સામાન્ય રીતે, જાહેર રોકાણો દ્વારા મેળવાયેલું કોઈ પણ ધિરાણ ઉપયોગી આર્થિ પ્રવૃત્તિઓમાં રોકવામાં આવે તો રોજગાર સર્જન થાય અને ભવિષ્યમાં ધિરાણ પરત ચૂકવવામાં મદદગાર નીવડે. સરકારો ધિરાણે મેળવેલાં નાણાંનું અનિવાર્યપણે વિતરણ કરે છે એટલે શક્ય છે કે લાંબા ગાળા માટે ભારતીય અર્થતંત્રનો વિકાસ સ્થગિત થઈ જાય અથવા તો અત્યંત ખરાબ સ્થિતિમાં વધુ એક કટોકટી સર્જાય. ચોથું, બંધારણની કલમ 293 હેઠળ રાજ્યો ફક્ત કેન્દ્ર સરકારની મંજૂરી મળે તો જ ધિરાણ મેળવી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર પરોક્ષ રીતે રાજ્યોની લોન માટે જવાબદાર છે. જાહેર જનતાને ભોગે રાજ્ય સરકાર ડિફોલ્ટ જાય તેવું કેન્દ્ર સરકાર ચલાવી લઈ શકે નહીં, એટલે તે બેન્કો અને રાજ્ય સરકારો સહિત ડિફોલ્ટર્સને ઉગારવા નાણાં ખર્ચવાનું ચાલુ રાખવા મજબૂર બનશે. ભારતનાં મોટા ભાગનાં દેવાંનો પ્રકાર આંતરિક હોવાથી બેન્કોના થાપણદારો, વીમા પોલિસીના ગ્રાહકો અને ઈપીએફ અને મ્યુચ્યુઅલ ફંડના સબસ્ક્રાઈબર્સે નુકસાન વેઠવાનું આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે લોન પરત ચૂકવવા માટે એકમાત્ર આશા એ રહે કે તેઓ મોટા પાયે કરવેરા વધારે. વધુ વેરાનો અર્થ કે લોકોને વાપરવા માટે ઓછાં નાણાં અને ઓછો આર્થિક વિકાસ - એટલે કે ઓછા રોજગાર. એ બાબતે ભાગ્યે જ કોઈ શંકા છે કે આગામી પાંચ વર્ષમાં તમામ વર્ગોના ભારતીયોએ વધુ પ્રમાણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા ચૂકવવા પડશે - પેટ્રોલિયમ પેદાશો માટે ગ્રાહકોને નિચોડવાનું શરૂ થઈ જ ગયું છે. કરવેરાથી શ્રીમંત વર્ગો કરતાં નીચલા અને મધ્યમ વર્ગના લોકોને વધુ અસર થાય છે.

ઉકેલ

બે જ રસ્તા છે. કેન્દ્ર સરકાર આ હોનારત ઘટતી અટકાવે અને દેવાંનાં ઘૂંટાતાં જતાં વમળમાંથી બહાર નીકળવા કોઈ આદેશ જારી કરે ઃ કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ કરવાની તાતી જરૂર છે કે કોઈ પણ રાજ્ય રાજકીય મત બેન્ક માટે નાણાં ઉધાર નહીં લઈ શકે અથવા તેણે દરેક રાજ્યને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે દર વર્ષે કુલ બજેટના ચોક્કસ ટકા (બની શકે તો 33 ટકા ) રકમ મૂડી અસ્ક્યામત સર્જન માટે ફરજિયાતપણે ફાળવવા પડશે. બીજો વિકલ્પ એ છે કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછું એટલું તો કરી જ શકે કે મતબેન્કના રાજકારણ માટે જે-તે રાજ્યની પોતાની કુલ આવકના મહત્તમ 33 ટકા રકમ વાપરી શકાય તેવો આદેશ આપે. આનાથી ઓછામાં ઓછું રાજ્યોની નાણાંકીય શિસ્તની દિશામાં યાત્રાનો આરંભ તો કરી શકાશે.

- ડૉ. એસ. અનંત

ABOUT THE AUTHOR

...view details