નવી દિલ્હી: કોરોનાની મહામારીમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના બે મહિના કરતાં પણ વધુ સમય બાદ હવે દેશ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. આજથી એટલે કે, 1 જૂનથી દેશમાં પાંચમા તબક્કાનું લોકડાઉન શરુ થઈ રહ્યું છે. સરકારે આ લોકડાઉનને 'અનલોક-1' તરીકે ઓળખાવ્યું છે. કારણકે, દેશમાં આજથી મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ શરુ થઈ જશે.
દેશમાં 8 જૂનથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ અને મોલ વગેરે ખૂલી જશે. જોકે, દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સ્કૂલ, કોલેજ અને થિયેટર અત્યારે ખૂલશે નહીં. કોરોના લોકડાઉનના ચાર તબક્કા દરમિયાન દેશમાં જે પ્રકારે પોઝિટિવ કેસ અને મૃત્યુની સંખ્યા વધી છે, એ જોતાં હવે દરેક સુરક્ષિત અને સતર્ક રહેવાની જવાબદારી લોકોની પોતાની રહેશે.