કર્ણાટકમાં ગઠબંધનની કુમારસ્વામી સરકાર પડી ભાંગ્યા બાદ ફરી એકવાર મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારના બહુમતને લઇ વિપક્ષે પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવના એક નિવેદન પર હોબાળો મચવા પામ્યો હતો.
મધ્યપ્રદેશ સરકાર અંગે ભાજપ નેતા ગોપાલ ભાર્ગવનું નિવેદન ગોપાલ ભાર્ગવના નિવેદન પર મુખ્યપ્રધાન કમલનાથે ક્હયું કે, તે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવે, સરકાર તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ હોબાળાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિએ પક્ષ અને વિપક્ષને શાંત કરવાના પણ પ્રયત્નો કર્યા હતાં, પરંતુ હોબાળો શાંત ન થતાં તેમણે ગૃહની કાર્યવાહીને 5 મીનિટ માટે સ્થગિત કરી હતી.
જે બાદ પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગૃહમાં કહ્યું કે, સરકારના આવવા-જવાથી ચિંતિત ન રહો, જ્યાં સુધી સરકાર છે, ત્યાં સુધી ખુશ રહીને પ્રદેશની સેવા કરો. જેના વળતાં જવાબમાં મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું કે, વિપક્ષ હંમેશા સરકાર પાડવાની વાતો કર્યા કરે છે, સરકાર તૈયાર છે. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવે. જેથી સરકારના સંખ્યા બળને લઇને વારંવાર ઉઠતાં પ્રશ્નો આજે જ પૂર્ણ થઇ જાય.
આ તરફ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પડી ભાંગતા રાજકારણ ગરમાયું છે. કુમારસ્વામી વિશ્વાસ મત રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કુમારસ્વામીના પોતાના પક્ષમાં માત્ર 99 મત મળ્યા હતા, જ્યારે વિરોધમાં 105 મતો મળ્યા હતા. જો કે, આ પરિણામ બાદ કુમારસ્વામીએ રાજીનામું આપ્યું હતું અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. આ સમગ્ર પરિણામ બાદ ભાજપના કાર્યકરોમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બેંગ્લોરમાં પાર્ટીના કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇને ઉજવણી કરી હતી તો યદુરપ્પાએ પણ વિક્ટ્રી સાઇન દર્શાવી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે, કમલનાથ પોતાની સરકાર બચાવી શકે છે કે કેમ?