ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના આર્થિક વિકાસને મોટો ટેકો

ઓછા મૂડીરોકાણથી સ્વવ્યવસાય અને કમાણી કરી આપવાની ક્ષમતાને કારણે લઘુ, નાના અને મધ્યમ એકમો (MSME) ઘણી બધી વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સક્રિય છે અને તે રીતે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં અગ્ર હરોળમાં છે. આજે આ જ MSME એકમો ટકી જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેવું અગાઉ ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે, પરંતુ હજી સુધી તેમને જોઈએ તેવી કોઈ મદદ થઈ નથી. નાના વેપારધંધા છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા હતા, ત્યારે કોરોના મહામારી આવી તેણે મરણતોલ ફટકો માર્યો છે.

દેશના આર્થિક વિકાસને મોટો ટેકો
દેશના આર્થિક વિકાસને મોટો ટેકો

By

Published : Jun 26, 2020, 2:31 AM IST

સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને વિશેષ સહાય પેકેજની જાહેરાત કરી છે, પણ તેનાથી નાના ઉદ્યોગોને કશો ફાયદો થવાનો નથી તેવું મૂડીનું એનેલેસિસ પણ દર્શાવે છે કે સ્થિતિને સુધારવા માટે તાકિદનાં પગલાં લેવાં જરૂરી બન્યાં છે. કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના તાજા અહેવાલમાં પણ એવો દાવો કરાયો છે કે દેશના આર્થિક વિકાસ માટે આધારરૂપ નાના ઉદ્યોગોને સરકાર તરફથી કોઈ પદ્ધતિસરની મદદ મળી રહી નથી.


CIIના આ અહેવાલમાં મુખ્ય ભલામણ એ કરવામાં આવી હતી કે દેશના MSME એકમોને દરેક પ્રકારના નિયંત્રણોમાંથી ત્રણ વર્ષ માટે મુક્તિ આપવામાં આવે કે જેથી તેઓ ફરીથી ધમધમતા થઈ જાય અને દેશના વિકાસમાં ફાળો આપી શકે. CIIના જણાવ્યા અનુસાર આત્મનિર્ભર અભિયાનની જાહેરાતના છ અઠવાડિયા પછીય ધિરાણ માટેનું જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું તે હાંસલ થઈ શક્યું નથી. ત્રણ લાખ કરોડ રૂપિયાની ધિરાણ સહાય આપવાની હતી, તેમાંથી વાસ્તવમાં માત્ર 8 ટકા જ લોન ખરેખર આપવામાં આવી છે.


રોજિંદા કામકાજ માટે મૂડીની અછત, જૂનાં દેવાં માથેના વ્યાજનો બોજ, કાચા માલની ઉપલબ્ધિનો અભાવ અને કુશળ કારિગરોની ગેરહાજરી આ બધા પરિબળોને કારણે લઘુ ઉદ્યોગો બહુ કપરી સ્થિતિમાં મૂકાઈ રહ્યા છે. સરકારે તેમને તાકિદે રાહત પહોંચાડવાની જવાબદારી લેવી જોઈએ અને તેમને જીવંત કરવા માટે નવા પ્રાણ ફૂંકવા જોઈએ.


આંકડાં દર્શાવે છે કે દેશના કુલ શ્રમિકોમાંથી 45 કરોડ જેટલા (90 ટકા જેટલા) કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમાંના 40 ટકા કામદારો લઘુ ઉદ્યોગોમાં રોજગારી મેળવે છે. દેશના જીડીપીમાં લઘુ ઉદ્યોગોનો ફાળો 30 ટકા જેટલો છે અને નિકાસમાંથી થતી આવકમાં તેનો હિસ્સો 40 ટકા જેટલો છે. આ આંકડાં જ દર્શાવે છે કે લઘુ ઉદ્યોગો કેટલાક અગત્યના છે.


દેશના વિકાસમાં આટલો મોટો ફાળો આપનારા લઘુ ઉદ્યોગો જ કોરોના સંકટમાં ઘેરાઈ હોય ત્યારે તેમને કમસે કમ રોકાયેલી મૂડીની સુરક્ષાની ખાતરી મળવી જોઈએ. એકમો તદ્દન બંધ થઈ જાય તેના બદલે કોઈક રીતે આ મુશ્કેલ સ્થિતિમાં તે ટકી જાય અને ફરી પોતાને બેઠા કરી શકે તે જરૂરી છે. આવા સંજોગોમાં તેમની માગણીઓ કઈ ગેરવાજબી નથી.


કર્મચારીઓને પગાર ના આપી શકેલા એકમોની માગણી છે કે મળવાની હોય તે લોનના 50 ટકા જેટલી રકમ તાત્કાલિક કોઈ શરત વિના છૂટી કરવી જોઈએ. એકમો જેટલા મહિના બંધ રહ્યા તેટલો સમયના વીજ બીલો માફ કરવા જોઈએ. આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને ચાર ટકાનો કર્યો છે, આમ છતાં બેન્કો હજીય નાના વેપારીઓ પાસેથી લોન પર 8થી 14 ટકાનું વ્યાજ વસૂલ કરે છે. જીએસટીની કુલ આવકમાંથી 30% આવક લઘુ ઉદ્યોગોમાંથી થાય છે તે નોંધવું જોઈએ. કેન્દ્ર સરકારે વ્યાપક સહાયનાં પગલાં લેવાં જોઈએ અને લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે CIIની ભલામણોનો અમલ કરવો જોઈએ.


મુશ્કેલ સ્થિતિમાં ના ટકી શકવાના કારણે 70 ટકા જેટલા લઘુ એકમો બંધ થઈ ગયા છે, ત્યારે એવી ભલામણ કરવામાં આવી છે કે આધુનિક પડકારોનો સામનો કરવા માટે જરૂરી તાલીમ માટે વિશેષ યુનિવર્સિટીઓ ખોલવી જોઈએ. ભારતના વિકાસની આગેકૂચ માટે MSMEને ફરીથી ચેતનવંતા કરવા જરૂરી છે. કોરોના રોગચાળાની આફતને અવસરમાં મોદી સરકાર ફેરવવા માગતી હોય તો સરકારે લઘુ ઉદ્યોગોને તાકિદે બેઠા કરવા પર ધ્યાન આપવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details