બેંગલુરુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ ગુરુવારે ઇન્ડિયાનું નામ બદલીને 'ભારત' અથવા 'હિન્દુસ્તાન' રાખવાના વિચારને 'મૂર્ખ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આનું કોઈ વિશેષ મહત્વ નથી.
ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એન સંતોષ હેગડેએ પણ નામ બદલવાની સૂચનાની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે, આ પગલાથી દેશમાં "અનિચ્છનીય ગેરસમજ ઉભી થશે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને દેશનું નામ ઇન્ડિયાથી બદલીને 'ભારત' અથવા 'હિન્દુસ્તાન' કરવાની અરજીને એક અહેવાલ તરીકે લેવા કહ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કેસની સુનાવણી કરતાં અરજદારના વકીલને કહ્યું હતું કે, બંધારણમાં ઇન્ડિયાને પહેલાથી જ 'ભારત' કહેવામાં આવી રહ્યું છે. આ અરજી દિલ્હીમાં રહેતા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી અને તેમણે દાવો કર્યો હતો કે, વસાહતી ભૂતકાળથી નાગરિકોને સંપૂર્ણ મુક્તિ મળે એ માટે આ સુધારો કરવો જરૂરી છે.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઇન્ડિયાની જગ્યાએ 'ભારત' અથવા 'હિન્દુસ્તાન' નામ હોવાને કારણે નાગરિકોના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યેનો ગર્વ ઉભો થશે. ખંડપીઠની અનિચ્છાને ધ્યાનમાં રાખીને વકીલે આ સંદર્ભે સંબંધિત અધિકારીને જાણ કરવાની પરવાનગી માંગી હતી. આ અંગે ખંડપીઠે કહ્યું હતું કે, આ અરજી સંબંધિત સત્તાધિકારને અહેવાલ તરીકે લેવી જોઈએ.