ન્યૂઝ ડેસ્ક: નાણા પ્રધાને યુપીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન અનિલ અંબાણી ગ્રુપ, એસેલ ગ્રુપ, ડીએચએફએલ, આઇએલએફએસ અને વોડાફોન જેવી જોખમી કંપનીઓને યસ બેંકના ફાઉન્ડર અને પૂર્વ એમડી રાણા કપુરે ફાયદો કરાવ્યો હતો. રાણા કપુરના પાછલા વર્ષે જાન્યુઆરીમાં પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા અને આરબીઆઇએ તેમના કાર્યકાળને લંબાવવાની બેંકની રજૂઆતને નકારી હતી. તેમણે એમ પણ કહ્યું કે 2006માં સંકટ સમયે આઇડીબીઆઇ સાથે યુનાઇટેડ વેસ્ટર્ન બેંક જોડાણ કરીને પ્રજાના નાણાંને મોટુ નુકશાન કરાયુ હતુ.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા મોદી સરકાર પર યસ બેંકના મામલે કરાયેલા આક્ષેપ બાદ નિર્મલા સીતારમને શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પી. ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભાજપ સરકાર છેલ્લાં છ વર્ષથી સતા પર છે અને નાણાંકીય સંસ્થાઓના રેગ્યુલેટ કરવાની તેમની ક્ષમતા ઉજાગર થઇ રહી છે. જોકે, પી. ચિદમ્બરમ માત્ર એક કોંગ્રેસના નેતા નહોતા કે જેમણે બેંકિગ ક્ષેત્રની કટોકટી અંગે મોદી સરકાર પર નિશાન તાક્યુ હોય પણ સતત ટ્વીટ દ્વારા અન્ય મોદી સરકાર પર આક્ષેપ કરવામાં આવતા નાણા પ્રધાને પ્રત્રકાર પરિષદ બોલાવીને પ્રતિક્રિયા આપવાની ફરજ પડી હતી.
ચિદમ્બરમે ટ્વીટમાં કહ્યું હતું કે, પહેલા તે પીએમસી બેંક હતીઅને હવે તે યસ બેંક છે. શું સરકારને ખરેખર કોઇ ચિંતા છે? શું તે પોતાની જવાબદારીથી બચી શકશે? અને લાઇનમાં હજુ ત્રીજી બેંક છે? તેમણે નાણામંત્રીના આરોપને ખંડન કરતા જણાવ્યુ કે ગ્લોબલ ટ્રસ્ટ બેંક (જીટીબી) , યુનાઇટેડ વેસ્ટર્ન બેંક ( ડબલ્યુવીબી) અને ગણેશ બેંક ઓફ કુરુંડવાડ (જીબીકે)ને બચાવવા માટે યુપીએ સરકારે પગલા ભર્યા હતા.