ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણકારી: ટ્રમ્પે મુસ્લિમ પ્રવાસીઓ પર મૂકેલા પ્રતિબંધોની નાબુદી - જ્યોર્જટાઉન યુનિવર્સિટી

જૉ બાઇડન શપથવિધિ સાથે અમેરિકાના પ્રમુખ બની ચૂક્યા છે, તે પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને તેઓ વટહુકમ દ્વારા રદ કરવા માટેની તૈયારીમાં છે.

અમેરિકન પ્રેસિડેન્ટ
અમેરિકન પ્રેસિડેન્ટ

By

Published : Jan 21, 2021, 6:52 PM IST

હૈદરાબાદ: જૉ બાઇડન શપથવિધિ સાથે અમેરિકાના પ્રમુખ બની ચૂક્યા છે, તે પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને તેઓ વટહુકમ દ્વારા રદ કરવા માટેની તૈયારીમાં છે.

20 જાન્યુઆરીએ પ્રમુખ બન્યા પછી પ્રમુખ બાઇડન તેમના પુરોગામીના ઇમિગ્રેશન અંગેના નિર્ણયોમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. કેટલાક મુસ્લિમ દેશોમાંથી પ્રવાસીઓ પર ટ્રમ્પે પ્રતિબંધ મૂક્યો હતો તેને દૂર કરી શકે છે. પારીસ કરારમાં ફરી જોડાવાનું અને કોરોના વાઇરસ સામે કાર્યવાહી ઝડપી બનાવવાની બાબતને તેઓ અગ્રતા આપશે.

2017માં સત્તા આવ્યાના થોડા અઠવાડિયા પછી ટ્રમ્પે વટહુકમ જાહેર કરીને સાત મુસ્લિમ બહુમતી દેશોમાંથી પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણો મૂક્યા હતા. આ વટહુકમાં ટ્રમ્પ સરકાર વારંવાર ફેરફાર કરતી રહી હતી અને અને તે રીતે આખરે 2018માં સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો હતો.

પ્રથમ વાર વટહુકમ જાહેર થયો તેમાં ઇરાન, લિબિયા, સોમાલિયા, સિરિયા અને યેમનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં વેનેઝુએલા અને નોર્થ કોરિયા તથા નાઇજીરિયા, સુદાન અને મ્યાનમાર જેવા દેશોના નાગરિકો સામે પણ પ્રતિબંધો મૂકાયા હતા.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં જૉ બાઇડને જાહેરાત કરી હતી કે તેમને સત્તા મળશે તો ટ્રમ્પ સરકારના આ કહેવાતા મુસ્લિમ પ્રતિબંધને પોતે હટાવી દેશે. તેમણે કહ્યું હતું કે પોતે સંસદ સાથે મળીને હેટ ક્રાઇમ વિરુદ્ધમાં પણ કાયદો પસાર કરશે. કોઈ પણ કોમ સામે ધિક્કાર ફેલાવવાને અપરાધ ઠરાવવા ઉપરાંત ધર્મને આધારે ઓળખ કરીને લોકોને નિશાન બનાવવા વિરુદ્ધ રિલિજિયસ પ્રોફાઇલ ઍક્ટ પસાર કરવાની તેમણે ખાતરી આપી હતી.

આ પ્રતિબંધોથી કોને નુકસાન થયું હતું?
* ખાસ કરીને અમેરિકામાં રાજ્યાશ્રય લેવા માગતા લાખો લોકોને અસર થઈ હતી.
* આ પ્રતિબંધ પછી મુસ્લિમ બહુમતી દેશોના નાગરિકોને અપાતા વીઝામાં મોટો ઘટાડો થયો હતો. તેના કારણે પ્રતિબંધ સિવાયના દેશોના નાગરિકોને પણ નડતર થવા લાગ્યું હતું.
* અમેરિકન મુસ્લિમ અને અમેરિકામાં વસતિ બીજી લઘુમતીના લોકોને પણ અસર થઈ, કેમ કે તેઓ પોતાના પરિવારથી જુદા પડી ગયા હતા.
* ટેમ્પરરી પ્રોટેક્ટેટ સ્ટેટસ ચાર મુસ્લિમ દેશોના લોકોને મળતું હતું તે પણ અટકી પડ્યું હતું. સોમાલિયા, સિરિયા, યેમન અને સુદાનના લોકોને આ સ્ટેટસ મળતું હતું. યુદ્ધ, કુદરતી આફત કે બીજી માનવય આપત્તિનો ભોગ બનેલા લોકો આ સ્ટેટસથી અમેરિકા આવી શકતા હતા.
* અન્ય ક્ષેત્રોના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને.

પ્રવાસ પર પ્રતિબંધની અસર

ટ્રમ્પે વટહુકમો બહાર પાડ્યા તેના કારણે 13 મુસ્લિમ દેશોના નાગરિકોને ખાસ કરીને અસર થઈ હતી: ઇરાન, લિબિયા, સોમાલિયા, સિરિયા, યેમન, વેનેઝુએલા, નોર્થ કોરિયા, નાઇજીરિયા, મ્યાનમાર, એરિટ્રિયા, કિર્ગીઝસ્તાન, સુદાન અને તાન્ઝાનિયા.

પ્રવાસ પ્રતિબંધોની વ્યાપક અસર થઈ હતી. ટાઈમ મેગેઝીનના અહેવાલ અનુસાર 1 ઑક્ટોબર, 2015થી 30 સપ્ટેમ્બર, 2019 સુધીમાં ઇરાની નાગરિકોને અપાતા વીઝામાં 79%, સોમાલી લોકોને અપાતા વીઝામાં 74% અને યેમનના લોકોને અપાતા વીઝામાં 66% ઘટાડો થઈ ગયો હતો.

જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ધ બ્રીજ ઇનિશિયેટિવ નામના સંશોધન પ્રોજેક્ટ હેઠળ ઇસ્લામોફોબિયાની તપાસ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2019માં કેટો ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે નવા પ્રતિબંધોને કારણે અમેરિકન નાગરિકોના 15,000 જેટલા જીવનસાથીઓ અને દત્તક લીધેલા સંતાનો અટવાઈ ગયા હતા.
મિશિગનમાં રહેતા મૂળ યેમનના મહમૂદ સલેમે આત્મહત્યા કરી લીધી હતી, કેમ કે જીબૂટીમાં રહેલા તેમના બેગમ અને પાંચ સંતાનોમાંથી બે સંતાનોને વીઝા મળી શક્યા નહોતા, એમ એનબીસીના એક અહેવાલમાં જણાવાયું હતું.

પ્રતિબંધોની આડઅસરો

* જાણકારો કહે છે કે પ્રવાસ પ્રતિબંધને કારણે માત્ર અમેરિકામાં મુસ્લિમોને પ્રવેશ અટક્યો એવું જ નહોતું થયું. તેના કારણે અમેરિકામાં રહેલા મુસ્લિમો અને અશ્વેત પ્રજા પર હુમલાના બનાવો વધ્યા હતા. શેરીઓમાં દાદાગીરી, ધાકધમકી રંગભેદનું પ્રમાણ આ પ્રતિબંધો પછી વધી ગયું હતું.
* ગયા વર્ષે એવો કાયદો પણ પસાર કરાયો હતો, જેના આધારે અધિકારીઓ આશ્રય લેનારા લોકોના નિવાસસ્થાનને હટાવી શકે. રેફ્યુજી એક જગ્યાએ એકઠા થઈને વસાહત કરશે તો તેના કારણે ઘેટ્ટો સર્જાશે તેવો ભય વ્યક્ત કરાયો હતો. ઇમિગ્રેશન સ્ટેટસના આધારે દેશમાં ગમે ત્યાં પ્રવાસ પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જોકે આ નીતિને અદાલતે અટકાવી હતી.

શું પ્રતિબંધો હટાવી શકાશે?

આ પ્રતિબંધોને હટાવી લેવાની જાહેરાત થશે એમ માનવામાં આવે છે. જોકે જાણકારો, વિશ્વેષકો, સામાજિક સંગઠનો અને મુસ્લિમો તથા અન્ય વસાહતીઓને ભય છે કે ભેદભાવ અને ધિક્કારનો ભય ઝડપથી નાબુદ નહિ થાય. પ્રતિબંધોને કારણે જે લોકોને ભોગવવું પડ્યું હતું, તેને જોકે થોડી રાહત મળશે અને જીવન થાળે પડ્યું તેવું લાગશે.

સામિયા લતીફ, ઈટીવી ભારત

ABOUT THE AUTHOR

...view details