ન્યૂઝ ડેસ્કઃ ભારતીય તહેવારો આવી રહ્યા છે. વરસાદની મોસમ પૂરી થતાં જ ભારતીય તહેવારોના સુંદર રંગોના આરંભનો સંકેત મળે છે, જે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને જીવંતતા લાવે છે, પરંતુ આ જ સમય પુષ્કળ ભોગવિલાસ અને વધુ પડતા આહાર સાથે પણ સંકળાયેલો છે. દરેક વ્યક્તિ માટે સૌથી સામાન્ય આકર્ષણ હોય છે - ખાદ્ય ચીજવસ્તુઓ ! મનભાવન મીઠાઈઓ અને પકવાનોથી માંડીને ખૂબ તળેલાં ખાદ્ય પદાર્થોને કારણે વધુ પડતી કેલરી અને ખાંડવાળો ખોરાક લેવાઈ જાય છે, જે પુષ્કળ વજન વધારે છે.
એટલે, અમે કેટલાક ચોક્કસ મહત્ત્વના મુદ્દા તારવ્યા છે, જેનાથી આપણે તહેવારોનો આનંદ માણી શકીશું અને પોતાની મનપસંદ મીઠાઈઓ અને વાનગીઓ ખાઈ શકીશું.
1. પોર્શન કન્ટ્રોલ - ખોરાકના જથ્થા ઉપર અંકુશ. આપણે જે ખાઈએ તેના જથ્થા ઉપર આપણે અંકુશ લગાવી દઈએ તો આપોઆપ આપણે જેટલી કેલરી લઈએ છીએ, તેની માત્રા મર્યાદિત બની જશે, એટલે આપણે સામાન્ય રીતે જેટલું ભોજન લેતા હોઈએ, તેનો અડધો હિસ્સો જ લેવાની સલાહ છે. તેનાથી વજન નિયંત્રણમાં રાખી શકાશે અને તે પછી તેને જાળવી રાખવામાં પણ મદદ મળશે.
2. વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો પસંદ કરો - બેસનના લાડુ, મગની દાળનો હલવો, ગાજરનો હલવો, નારિયેળ અને સૂકા મેવાની મીઠાઈઓ વગેરે જેવી ઘરે બનાવેલી મીઠાઈઓ અને ખાવાની ચીજો પસંદ કરો, જેમાં તમે ખાંડ અને ઘીની માત્રા ઉપર નિયંત્રણ રાખી શકો. મીઠાઈમાં ગોળનો બને તેટલો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. નાસ્તા ઊંડા તેલમાં તળેલાને બદલે શેકેલા, વઘારેલા, અથવા ગ્રિલ્ડ હોવાં જોઈએ.
3. હાઈડ્રેશન -ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી, લીંબુનું પાણી, લીલા નારિયેળનું પાણી, પાતળી છાશ, તાજાં ફળોના રસ તેમજ કાકડી, લીંબુંની ચીરી અને ફુદીનો નાંખેલું પાણી વગેરે દ્વારા તમારા શરીરને સતત હાઈડ્રેટ રાખો. હાઈડ્રેશનથી મેટાબોલિઝમ વધશે, ટોક્સિન્સ દૂર થશે અને પરિભ્રમણને અનુકૂળ રાખો.