નવી દિલ્હી: ઘરેલુ ફ્લાઇટના ભાડા પર લગાવવામાં આવેલી સીમા મર્યાદા હવે 24 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ અંગે ડીજીસીએએ સૂચના જારી કરી હતી. તાજેતરમાં ઉડ્ડયન પ્રધાને સંકેત આપ્યો હતો કે, ભાડા પરની મર્યાદા 24 ઓગસ્ટ પછી પણ ચાલુ થઈ શકે છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, ઉડ્ડયન કંપનીઓ ભાડામાં મનમાની કરી શકી નહીં તે માટે 21 મેના રોજ સરકારે ફ્લાઇટના સમય અનુસાર ઘરેલું ફ્લાઇટમાં ભાડા નક્કી કર્યા હતા.
21 મે ના ડીજીસીએએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડા પર સીમા મર્યાદા જાહેર કરી હતી. નિયમો મુજબ ઘરેલું એરલાઇન્સને પોતાનું ભાડું આ સીમામર્યાદાની અંદર જ રાખવાનું હતું. તેમજ ટિકિટો મહત્તમ અને ન્યૂનતમ ભાડાની નીચે અમુક હદ સુધી રાખવાની હતી. નિયમો અનુસાર 40 મિનિટથી ઓછી ઉડાનનું લઘુતમ ભાડું 2000 રૂપિયા અને મહત્તમ ભાડું 6000 રૂપિયાની સીમા મર્યાદામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 40 મિનિટથી 60 મિનિટની ફ્લાઇટ માટે ઓછામાં ઓછું ભાડું 2500 રૂપિયા અને મહત્તમ ભાડું 7500 રૂપિયા રાખવામાં આવ્યું હતું.