દિલ્હી કોંગ્રેસમાં વિવાદ, કોંગ્રેસ પ્રભારીના રાજીનામાની માંગ - dispute
નવી દિલ્હીઃ દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. અહીં પક્ષના કેટલાક નેતા દિલ્હી પ્રભારી પીસી ચાકોનો વિરોધ કરી રહ્યાં છે. સાથે જ તેમને હટાવવાની માંગણી પણ કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસના નેતાઓનું એક જૂથ ખુલીને દિલ્હી પ્રભારી પીસી ચાકોના વિરોધમાં આવ્યું છે અને તેમને દૂર કરવાની માંગ કરી છે.
લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન માટે કોંગ્રેસની આમ આદમી પાર્ટી સાથે લાંબી વાતચીત ચાલી હતી. પરંતુ બંન્નેમાં સંકલન ન થયું. આ વાતચીત દરમિયાન ચાકો કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યાં હતા. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ શીલા દીક્ષિત અને રાજ્યના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યાં હતા.
આ ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસ તમામ બેઠકો હારી ગઈ છે. શીલા દીક્ષિત અને અજય માકન જેવા નેતાઓને હાર ભાળવી પડી છે. ચાકોને નવેમ્બર, 2014માં દિલ્હીના પ્રભારી બનાવાયા હતા.
દિલ્હી કોંગ્રેસ નેતા રોહિત મનચંદાએ કહ્યું કે, 'ચાકોના નેતૃત્વમાં પાર્ટી તમામ ચૂંટણી હારી છે. લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા કે પછી એમસીડીની ચૂંટણી'. નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધી હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપતા હોય તો ચાકો કેમ નહીં? દિલ્હી કોંગ્રેસના અનેક નેતાઓએ મનચંદાના નિવેદનનું સમર્થન કર્યુ છે.
દિલ્હી કોંગ્રેસના અન્ય એક નેતાએ કહ્યું કે, 'લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ પક્ષ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ચિંતિત છે, એટલે સ્વાભાવિક છે કે જે લોકો હાર માટે જવાબદાર છે, તેમણે રાજીનામુ આપવું જોઈએ. ચાકોના વડપણમાં પાર્ટીના નેતા અને કાર્યકર્તા આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છે.'