નવી દિલ્હી : સવારથી જ પરિણામો આમ આદમી પાર્ટીના પક્ષમાં રહ્યાં હતા. આપ હાલ 58 બેઠકો સાથે આગળ છે. જ્યારે 12 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ હાલ આગળ ચાલી રહ્યાં છે.
દિલ્હીની બેઠકો પર આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. દિલ્હીમાં સવારે 8 વાગ્યાંથી 27 જગ્યાએ પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈછે. જેમાં 2600 જેટલો સ્ટાફ કાઉન્ટિંગમાં જોતરાયો છે. દિલ્હીની 70 બેઠકોનું ભાવિ 13,751 પોલિંગ બૂથોના ઈવીએમમાં કેદ છે. શરૂઆતમાં બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. 70 બેઠકો પૈકી આમ આદમી પાર્ટીના દિગ્ગજ ઉમેદવારોની બેઠકો પર નજર રહેશે. મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેદ્ર જૈન, કૈલાશ ગહેલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમ ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે જ વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ અને ઉપાધ્યક્ષ રાખી બિડલા પણ ચૂંટણી જંગમાં છે.
બીજી તરફ ભાજપના મોટા ચહેરાઓની વાત કરીએ તો, વિધાનસભાના વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા, રાષ્ટ્રીય સચિવ આર.પી. સિંહ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટ, મહામંત્રી રવિન્દ્ર ગુપ્તા, સુનીલ યાદવ સહિતના મોટા નેતાઓ છે. જ્યારે કોંગ્રેસમાં દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન ડૉ. એ.કે. વાલિયા, ડૉ. નરેન્દ્ર નાથ, અરવિંદરસિંહ લવલી, હારૂન યૂસુફ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ, પૂર્વ સાંસદ પરવેજ હાશમી, સુભાષ ચોપરા અને અલકા લાંબા સહિતના દિગ્ગજો છે.
આજે ચૂંટણી પરિણામ સંદર્ભે સમગ્ર દેશવાસીઓની નજર મતગણતરી પર અટકી રહી છે. દિલ્હી દેશની રાજધાની છે, જ્યાં છેલ્લા 22 વર્ષથી ભાજપ સત્તાથી દૂર છે. જ્યારે 15 વર્ષ શાસન કરનારી કોંગ્રેસનું 2015માં નામોનિશાન નહોતું રહ્યું. 2015માં લોકપાલ આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી, હરિયાણાના અરવિંદ કેજરીવાલના પ્રમુખપણા હેઠળ 70માંથી 67 બેઠકો પર પ્રચંડ વિજય મેળવવામાં સફળ થઈ હતી.
આજના પરિણામમાં પણ અરવિંદ કેજરીવાલને સફળતા મળે અને ભાજપ-કોંગ્રેસને નિરાશા સાંપડે તેવા એક્ઝિટ પોલના તારણો છે. તેમ છતાં આમ આદમી પાર્ટીએ ઈવીએમ અંગે શંકાઓ વ્યક્ત કરી હતી. આવા સમયે ચૂંટણીના પરિણામો પર સૌની નજર મંડરાઈ રહી છે. આજે દિવસભર ઈટીવી ભારત સાથે ચૂંટણી પરિણામોમાં જોડાયેલા રહો....