નવી દિલ્હી: કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યો છે. આ લોકડાઉન વચ્ચે દેશના કરોડો લોકોને મનોરંજન પુરૂ પાડવા માટે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, 28 માર્ચથી ફરીથી ડીડી નેશનલ પર 'રામાયણ' ટેલિકાસ્ટ કરવામાં આવશે. એક દિવસમાં રામાયણના બે એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. પ્રથમ વખત સવારે 9.00 વાગે અને બીજી વખત રાત્રે 9.00 વાગે પ્રસારિત કરવામાં આવે છે.
લોકડાઉનમાં ભગવાન રામનો સહારો - રામાયણ
ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેથી કરોડો લોકો તેમના ઘરોમાં જ રહેશે. તેમને મનોરંજન પુરૂ પાડવા માટે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી કે, 28 માર્ચથી ફરીથી ડીડી નેશનલ પર 'રામાયણ' પ્રસારિત કરવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે શુક્રવારે સવારે ટ્વીટર પર આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે, 28 માર્ચ, શનિવારે જનતાની માગ પર દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પર ફરીથી 'રામાયણ'નું ટેલિકાસ્ટ શરૂ થશે. પ્રથમ એપિસોડ સવારે 9.00 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9.00 વાગે થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 21 દિવસ સુધી દેશવ્યાપી સંપૂર્ણ 'લોકડાઉન' કરવાની ઘોષણા કરી હતી. ભારતમાં ત્રણ દિવસથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં 724 લોકો કોરોના અસરગ્રસ્ત છે, જેમાંથી 66 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અને 17 લોકોના મોત નીપજ્યાં છે.