બોસ્ટન (USA): ભારતીય મુળના એક સંશોધનકાર સહિતની સંશોધકોની ટીમે એકથી વધુ દર્દી વચ્ચે વેન્ટીલેટર શેર કરવાનો સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો છે. સંશોધકોની ટીમનુ માનવુ છે કે એક્યુટ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ ધરાવતા Covid-19ના દર્દીઓની સારવારમાં આ પ્રકારના વેન્ટીલેટર ખુબ મદદરૂપ થશે.
યુએસની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT)ના શ્રીયા શ્રીનીવાસન સહિતના સંશોધકોએ નોંધ્યુ હતુ કે જેમ જેમ Covid-19માં એક્યુટ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ વેન્ટીલેટર શેર કરવાના વિચાર પર અમે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ.
સાયન્સ ટ્રાન્સલેશનલ મેડીસીન નામની જર્નલમાં પ્રસીદ્ધ થયેલા સંશોધનલેખના મુખ્ય લેખિકા શ્રીનીવાસને કહ્યુ હતુ કે આ વેન્ટીલેટરમાં એર ટ્યૂબના અલગ અલગ ભાગલા કરીને તેને વ્હેચી દેવામાં આવે છે જેથી બેથી વધુ દર્દીઓને એક જ સમયે એક જ મશીન સાથે જોડી શકાય.
તો આ તરફ કેટલાક ફીઝીશીયન એસોસીએટ્સે આ વિચાર માટે વિરોધાભાસી તર્ક રજૂ કરતા કહ્યુ હતુ કે આમ કરવાથી દર્દીનો જોખમ વધી શકે છે કારણ કે આ પ્રકારે દર્દીને ઓક્સિજન પહોંચાડવાથી એ જાણવામાં મુશ્કેલી પડી શકે છે કે દરેક દર્દી યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી રહ્યો છે કે કેમ.
હવે MIT, બ્રીગામ અને વુમન્સ હોસ્પિટલની ટીમે એર ટ્યૂબના ભાગલા કરવાની નવી રીત પર વિચાર કર્યો છે જેનાથી સુરક્ષાના પ્રશ્નો પણ હલ થઈ શકે.
તેમણે લેબોરેટરી ટેસ્ટમાં આ મશીનની અસરકારકતા દેખાડી છે પરંતુ તેઓ એ વાતની સાવચેતી રાખી રહ્યા છે કે જ્યારે કોઈ દર્દીનુ જીવન જોખમમાં હોય તેવા કટોકટીના સમયે માત્ર તેનો અંતીમ ઉપાય તરીકે ઉપયોગ કરવો જોઈએ.
MITના આસીસ્ટન્ટ પ્રોફેસર, જીઓવાની ટ્રવેર્સોએ કહ્યુ હતુ કે અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારના કમ્પોન્ટ ધરાવતુ આ મશીન દર્દીને જ્યારે વેન્ટીલેટર સપોર્ટની અત્યંત જરૂર હોય ત્યારે તેને મદદ કરી શકે.“
ટ્રવેર્સોએ ઉમેર્યુ હતુ કે “અમે જાણીએ છીએ કે વેન્ટીલેટર શેરીંગ એ કોઈ આદર્શ ઉપાય નથી અને તેમાં દર્દીની કાળજીનુ ધોરણ જળવાતુ નથી માટે દર્દીની સારવારમાં આ પ્રકારનો હસ્તક્ષેપ અંતીમ ઉપાય તરીકે કરવો જોઈએ.”
વેન્ટીલેટર એક એવુ મશીન છે જે દર્દીના મોં માં કે નાકમા રાખેલી નળી મારફતે ઓક્સિજન પુરૂ પાડીને દર્દીને શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે. સંશોધકોએ જણાવ્યુ હતુ કે દુનિયાભરના દેશો Covid-19ની મહામારીને પહોંચી વળવા માટે પુરતા વેન્ટીલેટર મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે.