ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ને કારણે લાખો બાળકો બાળ મજૂરી તરફ ધકેલાય તેવી શક્યતાઃ UNનો અહેવાલ - બાળકોને મજૂરી

ILO અને UNICEFના અહેવાલ મુજબ, બાળકોને મજૂરી તરફ ધકેલવામાં આવે, તેને પરિણામે 20 વર્ષની પ્રગતિ બાદ પ્રથમ વખત બાળ મજૂરીમાં વધારો જોવા મળી શકે છે.

કોવિડ-19ને કારણે લાખો બાળકો બાળ મજૂરી તરફ ધકેલાય તેવી શક્યતાઃ UNનો અહેવાલ
કોવિડ-19ને કારણે લાખો બાળકો બાળ મજૂરી તરફ ધકેલાય તેવી શક્યતાઃ UNનો અહેવાલ

By

Published : Jun 17, 2020, 4:31 AM IST

હૈદરાબાદ: ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) અને યુનિસેફે શુક્રવારે પ્રસિદ્ધ કરેલા નવા અહેવાલ મુજબ, કોવિડ-19 કટોકટીના પરિણામસ્વરૂપે લાખો બાળકોને બાળ મજૂરી તરફ ધકેલવાનું જોખમ સર્જાતાં 20 વર્ષની પ્રગતિ બાદ પ્રથમ વખત બાળ મજૂરીમાં વધારો થવાના સંજોગો સર્જાઇ શકે છે.

‘કોવિડ-19 અને બાળ મજૂરી, કટોકટીનો સમય, કાર્યવાહી કરવાનો સમય’ શીર્ષક ધરાવતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2000થી બાળ મજૂરીમાં 94 મિલિયનનો ઘટાડો થયો છે, પરંતુ હવે તેમાં વધારો થવાનું સંકટ તોળાઇ રહ્યું છે.

અહેવાલ પ્રમાણે, બાળ મજૂરીમાં અગાઉથી જોતરાયેલાં બાળકો લાંબા કલાકો સુધી અથવા તો બદતર સ્થિતિમાં કામ કરતાં હોય, તેવી શક્યતા છે. તે પૈકીનાં મોટાભાગનાં બાળકોને કથળેલા સ્વરૂપની મજૂરીમાં જોતરવામાં આવી શકે છે, જેના કારણે તેમના આરોગ્ય અને સલામતીને નોંધપાત્ર નુકસાન પહોંચે છે.

ILOના ડિરેક્ટર જનરલ ગાય રાઇડરના જણાવ્યા મુજબ, "મહામારીને કારણે પરિવારની આવક બંધ થઇ જતાં અને કોઇપણ પ્રકારની સહાયના અભાવમાં ઘણાં લોકો બાળ મજૂરીનું શરણું લઇ શકે છે."

"કટોકટીના સમયગાળામાં સામાજિક રક્ષણ ઘણું મહત્વનું બની રહે છે, કારણ કે તે અત્યંત જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડે છે. સામાજિક સુરક્ષા, ન્યાય, શ્રમ બજારો, શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય માનવ અને મજૂર હક્કો માટેની વ્યાપક નીતિઓમાં બાળ મજૂરીના મુદ્દાઓને સાંકળવાથી નોંધપાત્ર ફરક પડે છે."

અહેવાલ મુજબ, કોવિડ-19ને કારણે ગરીબીમાં વધારો થઇ શકે છે અને આથી, પરિવારો અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે, જેના પરિણામે બાળ મજૂરીમાં વધારો થઇ શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે, ગરીબીમાં એક ટકા વધારો થવાથી ચોક્કસ દેશોમાં બાળ મજૂરીમાં ઓછામાં ઓછા 0.7 ટકા વધારો થઇ શકે છે.

"કટોકટીના સમયમાં, બાળ મજૂરી ઘણાં પરિવારો માટે હાથવગું સાધન બને છે," તેમ UNICEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેન્રિએટ્ટા ફોરેએ જણાવ્યું હતું.

"ગરીબી વધે બાળકોનું શાળાકીય શિક્ષણ બંધ થઇ જાય અને સામાજિક સેવાઓની પ્રાપ્યતા ઘટે, તેના કારણે વધુ બાળકોને મજૂરીમાં ધકેલવામાં આવે છે. આપણે કોવિડ બાદના વિશ્વની કલ્પના કરીએ, ત્યારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, બાળકો અને તેમના પરિવારોને ભવિષ્યની આવી સમસ્યાઓનો સામનો કરવા માટેનાં જરૂરી સાધનો મળી રહે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામાજિક સુરક્ષા સેવાઓ અને બહેતર આર્થિક તકો ગેમ-ચેન્જર પુરવાર થઇ શકે છે."

બેરોજગારીમાં વધારો અને જીવન ધોરણમાં સાર્વત્રિક ઘટાડો, આરોગ્યનાં જોખમો અને અપૂરતી સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓ સહિતનાં અન્ય દબાણોને કારણે અસંગઠિત અર્થતંત્ર અને સ્થળાંતરિત શ્રમિકો જેવા જરૂરિયાતમંદ જૂથોને આર્થિક મંદીને કારણે સૌથી મોટો ફટકો પડશે.

મહામારી દરમિયાન શાળાઓ બંધ થવાને કારણે બાળ મજૂરી વધી રહી હોવાના વધુને વધુ પુરાવા પ્રાપ્ત થઇ રહ્યા છે. કામચલાઉ ધોરણે શાળાઓ બંધ થવાને કારણે 130 દેશોના એક અબજ કરતાં વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. વર્ગો ફરીથી શરૂ થાય, ત્યારે પણ કેટલાંક માતા-પિતાને તેમનાં સંતાનોને શાળાએ મોકલવું પરવડી શકશે નહીં.

પરિણામે, વધુને વધુ બાળકોને શોષણ કરનારાં અને જોખમી કાર્યો તરફ ધકેલવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર, ખાસ કરીને છોકરીઓને ખેતી અને ઘરેલૂ કાર્યોમાં સાંકળવામાં આવે, તેના કારણે જાતિગત (લિંગ આધારિત) અસમાનતામાં તીવ્ર વધારો થઇ શકે છે.

અહેવાલમાં બાળ મજૂરીના વધી રહેલા જોખમનો સામનો કરવા માટે ઘણાં પગલાં સૂચવવામાં આવ્યાં છે. જેમાં, વધુ સમાવેશક સામાજિક સુરક્ષા, ગરીબ પરિવારો માટે ધિરાણની સરળ પહોંચ, પુખ્ત વયના લોકો માટે યોગ્ય કાર્યને વેગ આપવો, બાળકોને શાળામાં પરત મોકલવા માટેનાં પગલાં, શાળા-ફી નાબૂદ કરવી તથા કાયદાના અમલ અને શ્રમની તપાસ માટે વધુ સંસાધનોનો સમાવેશ થાય છે.

ILO અને UNICEF વૈશ્વિક સ્તરે બાળ મજૂરી પર કોવિડ-19ના પ્રભાવ પર નજર રાખવા એક સિમ્યુલેશન મોડલ વિકસાવી રહ્યાં છે. બાળ મજૂરી પરના નવા વૈશ્વિક આંકડા 2021માં પ્રસિદ્ધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details