મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈના કાંદિવલી હોસ્પિટલમાંથી ગુમ થયેલા એક 80 વર્ષીય કોરોના દર્દી મંગળવારે બોરીવલી રેલવે સ્ટેશન પરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. તે સોમવારે સવારે ગુમ થયા હતા.
આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અખિલ ચિત્રેએ સત્તાધારી પાર્ટી પર આરોપ લગાવીને કહ્યું કે, આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને કસૂરવાર ઠેરવવું યોગ્ય નથી. આ ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કોવિડ-19 કેસની ખોટી સંખ્યા આપી રહી છે, વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધુ છે.
તેમણે કહ્યું કે, સરકારી નેતાઓને ફેસબુક લાઈવ પર આવવાને બદલે હોસ્પિટલ મુલાકાત લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઇ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાંથી 85,975 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 3000થી વધુ લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.