કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં સોમવારે કોર્પોરેટ ટેક્ષ પરની ચર્ચા દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને 'નિર્બલા' સીતારમણ કહ્યા હતા.
અધીર રંજન ચૌધરીએ નાણાં પ્રધાનને 'નિર્બલા' કહ્યા સંસદમાં પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નાણાંપ્રધાન પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'આપની સ્થિતિ જોઈને મને એમ કહેવાનું મન થાય છે કે, આપને નિર્મલા સીતારમણને બદલે 'નિર્બલા' સીતારમણ કહું. કારણ કે, તમે પ્રધાન છો છતાં, જે કરવા ઈચ્છો છો તે કરી શકો છો અથવા નહીં તે મને નથી ખબર'.
આ અગાઉ પણ અધીર રંજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘુસણખોર કહ્યાં હતા. જેને લઈને સંસદમાં હોબાળો થયો હતો.
કોંગ્રેસ નેતા અધીર રંજનના આ પ્રકારના અભદ્ર નિવેદન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, તેમના આ પ્રકારના નિવેદન અંગે અધીર રંજને કોઈ પણ શર્ત વિના માફી માગવી જોઈએ.
બીજી તરફ પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ રામકૃપાલ યાદવે અધીર રંજન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર ટિપ્પણી કરવી ઘણી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. જનતા તેમને માફ નહીં કરે. અધીર રંજનની વિચારધારા ઘણી નબળી છે. તેમણે પોતાની નબળી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.