ઉત્તર પ્રદેશ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 11 ટીમ સાથેની બેઠક દરમિયાન અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચના આપી હતી. કોરોના વાઈરસના ચેપના ફેલાવાને રોકવા માટે રચાયેલી 11 ટીમોના વડાઓ સાથેની બેઠક દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ સુચન આપ્યું કે, ચેપ અટકાવવા માટે દરેક જિલ્લામાં ફોક્સ્ડ ટીમ બનાવવામાં આવવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં કોરોના વાઈરસના ચેપનો ફેલાવો થવો જોઈએ નહીં.
યોગીએ નિર્દેશ આપ્યો કે, કોરોના કમાન્ડો માટે PPE કીટ અને N-95 માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. જેથી ચેપના ફેલાવા વચ્ચે સાવચેતીપૂર્વક દર્દીઓની સારવાર કરી શકાય.
આ બેઠક દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને કોરોના વાઈરસના ચેપને ફેલાતો અટકાવવા અંગે ધ્યાન આપવા જણાવ્યું હતું. કોરોના વાઈરસથી લોકોના જીવ બચાવવા માટે એક જ રસ્તો છે. ચેપ ફેલાતો અટકાવવો જોઈએ. એક મહિનાના લોકડાઉન પછી પણ સરકારને કોરોના વાઈરસ રોકવાનો મોટો પડકાર છે.
મુખ્યપ્રધાને હોટસ્પોટ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા, સપ્લાય ચેન જાળવી રાખવા અને લોકોને ભોજન પ્રદાન કરવા સહિતના અન્ય મહત્વના મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી. મુખ્યપ્રધાને કૃષિ ક્ષેત્ર વિશે એક અહેવાલ અંગે નિર્દેશ આપ્યો કે, ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ.
યોગી આદિત્યનાથે પણ કેન્દ્ર સરકાર દ્વારા સાવધાની સાથે દુકાનો ખોલવાની સૂચના અંગે મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યના તમામ લોકડાઉન વિસ્તારોને લોકડાઉન અને સામાજિક અંતરનું સખત પાલન કરવું જોઈએ. અધિકારીઓએ હોટસ્પોટ્સવાળા વિસ્તારોમાં પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરવા પર ભાર મૂકવો જોઈએ. આ બેઠકમાં મુખ્યપ્રધાન ઉપરાંત મુખ્ય સચિવ આર.કે. તિવારી, અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થી, પોલીસ મહાનિદેશક હિતેશ ચંદ્ર અવસ્થી પણ હાજર રહ્યા હતા.