નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં કોરોના કેસની પરિસ્થિતિમાં સુધાર થવાની શરૂઆત થઇ છે. જૂન મહિનાની શરૂઆતમાં 100 માંથી 35 દર્દીઓ કોરોના પોઝિટિવ નીકળતા હતા જે ઘટીને 11 થઇ ગયા છે.
દરરોજ 20,000 થી 24,000 ટેસ્ટ થઇ રહ્યા છે અને તમામ હોસ્પિટલો મળીને 10,000 થી પણ વધુ બેડની ક્ષમતા છે જેમાં હાલમાં 5100 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
આથી દિલ્હીમાં ન તો બેડની અછતની સમસ્યા ન તો પરીક્ષણને લગતી કોઈ સમસ્યા છે. દિલ્હીના 25,000 કોરોના પોઝિટિવ દર્દીઓ તેમના ઘરે રહીને પોતાનો ઇલાજ કરાવી રહ્યા છે.
ગુરુવારે દિલ્હીમાં દેશની પ્રથમ પ્લાઝમા બેંક શરૂ થઇ હતી જેના વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્લાઝમાની ડિમાન્ડ વધુ છે અને સપ્લાય પ્રમાણમાં ખૂબ ઓછો પડી રહ્યો છે. આથી વધુને વધુ લોકોએ પ્લાઝમાનું દાન કરવા માટે આગળ આવવું જોઈએ જેથી આપણે લોકોના જીવ બચાવી શકીએ.
દિલ્હીના તમામ રેસીડેન્ટ વેલફેર એસોસિયેશનના લોકોને તેમણે અપીલ કરી હતી કે જે લોકો કોરોનાથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમને અને જે લોકો પ્લાઝમા દાન કરવા માટે આગળ આવી રહ્યા છે તેમને સન્માનિત કરવા જોઈએ જેથી લોકો પ્રોત્સાહિત થાય.