ન્યૂઝ ડેસ્ક: ભારતમાં સ્થૂળતા વધારે જોખમી છે, કેમ કે ડાયાબિટિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડાયાબિટિસ માટે ભારતમાં સ્થૂળતા સૌથી મોટું જોખમ બની ગયું છે. 20 વર્ષથી મોટા પુખ્તવયના 100માંથી 38 લોકોને ડાયાબિટિસ થયેલો છે. 2016માં વિશ્વમાં આ પ્રમાણ 19નું હતું. 25થી વધુ BMI હોય તેને સ્થૂળતા ગણવામાં આવે છે, પણ દેશમાં એવા લોકોનું બહુ મોટું પ્રમાણ છે, જે સ્થૂળ ના ગણાય, પણ તેમનામાં સ્થૂળતાના લક્ષણો હોય. આવા લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે અને ફાંદ નીકળેલી હોય છે.
પુરુષોમાં 90 સેન્ટીમિટરથી વધારેની અને સ્ત્રીઓમાં 80 સેન્ટીમિટરથી વધારેની કમર હોય તેને સ્થૂળતા ગણવામાં આવે છે. આ રીતે ફાંદ વધી ગઈ હોય તેના કારણે પણ ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. સાથે જ લોહીનું ઊંચું દબાણ, ઊંચું કોલેસ્ટરોલ અને હૃદયરોગ તથા લકવાના હુમલાનું જોખમ વધી જાય છે. હાલમાં ફેલાયેલા Covid-19 વાયરસ સાથે આ સ્થિતિની સરખામણી કરી શકાય છે. Covid-19 વાયરસ ફેલાવાની બાબતમાં આર્થિક અને સામાજિક સ્થિતિ અને ખાણીપીણીની આદતો મોટો ભાગ ભજવે છે. સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેના કારણે જંગલી પ્રાણીઓ અને મનુષ્યો એકબીજાના નીકટ સંપર્કમાં આવવા લાગ્યા છે. તેના કારણે જંગલી પશુઓમાં જોવા મળતા Covid-19 અને SARS જેવા વાયરસ ઝડપથી મનુષ્યોમાં ફેલાયા છે.
તે માટે આપણે વ્યક્તિઓને દોષ આપીએ તે યોગ્ય નથી. તે જ રીતે સ્થૂળતા માટે પણ વ્યક્તિઓને દોષ આપવાનું બંધ કરી દેવું જોઈએ. પરિવહન, આર્થિક અને ખાણીપીણીની વ્યવસ્થાને કારણે સ્થૂળતા પેદા થઈ છે તે સમજવું જોઈએ. સ્માર્ટ સિટિમાં ખરેખર તો સ્થૂળતા અટકાવવા માટેનું આયોજન થવું જોઈએ. તેના બદલે તેમાં સ્થૂળતા વધી રહી છે. શહેરમાં સ્થૂળતા ઘટાડવા માટેના ઉપાયો અજમાવીશું તેના કારણે આડકતરી રીતે પ્રદૂષણ પણ ઓછું થશે. (એ પણ જાણી લેવું જરૂરી છે કે વાયુ પ્રદૂષણ પણ ખાસ કરીને બાળકોમાં સ્થૂળતા માટે જવાબદાર છે.)
સૌથી અગત્યની વાત એવી આર્થિક, ખાદ્યપદાર્થોની અને કૃષિની નીતિ હોવી જોઈએ જે પૌષ્ટિક અને શુદ્ધ આહાર અને કુદરતી પીણાને ઉત્તેજન આપે. તાજા ફળ અને શાકભાજી, કઠોળ, આખું અનાજ, સુકા મેવા સૌ કોઈ માટે સસ્તા અને સુલભ બનવા જોઈએ. દરેક ઉંમરના, દરેક સામાજિક અને આર્થિક સ્તરના લોકો માટે આ શક્ય બનાવવું જોઈએ. ખાસ કરીને બાળકોને લલચાવતા ઠંડા પીણા અને ખાણીપીણીનું માર્કેટિંગ અને વેચાણ મર્યાદિત કરવા જોઈએ.
શહેરી વન તૈયાર કરવા અને શહેરોમાં શાકભાજી ઉગાડવા માટેનું આયોજન થવું જોઈએ. રોજિંદા જીવનમાં શારીરિક શ્રમ થાય તો સ્થૂળતા અટકાવવામાં સૌથી મોટી સહાય મળે છે. ફિટ ઇન્ડિયા ઝુંબેશ વડા પ્રધાને શરૂ કરી તે આવકારદાયક છે. તંદુરસ્તી માટે જરૂરી છે કે તંદુરસ્ત શહેરો, તંદુરસ્ત પર્યાવરણ, તંદુરસ્ત પરિવહન અને તંદુરસ્ત માહોલ ઊભો થાય અને સાથે જ તંદુરસ્ત ફૂટપાથ, તંદુરસ્ત રસ્તા, તંદુરસ્ત શાળાઓ, તંદુરસ્ત કચેરીઓ, તંદુરસ્ત બાગબગીચા અને મનોરંજનના સાધનોની પણ જરૂર છે. આ રીતે સમગ્ર તંદુરસ્તી મેઇક ઇન ઇન્ડિયા હોવી જોઈએ.