સત્તાવારી રીતે ભારતે આપેલા પ્રતિસાદમાં સંયમની સલાહ સાથે એ બાબત પર ભાર મૂકાયો હતો કે “આ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સલામતી જાળવી રાખવી” જરૂરી છે.
અખાતના વિસ્તારમાં પોતાના રાજકીય અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને ભારતીય ડિપ્લોમસીએ સક્રિય થઈને પ્રયાસો કરવાના રહેશે.
આ વિસ્તારમાં રાજકીય અસ્થિરતા ઊભી થાય તે ભારતને પરવડે તેવું નથી, કેમ કે ગલ્ફના જુદા જુદા દેશોમાં ભારતના 80 લાખ લોકો કામ કરે છે. ગલ્ફના અર્થતંત્રમાં સક્રિય ભારતીયો દર વર્ષે ભારતના અર્થતંત્રમાં પણ 40 કરોડ ડૉલરનું રેમિટન્સ મોકલીને સહાયરૂપ થાય છે.
ભારતની ડિપ્લોમસી સામે તાકિદનો પડકાર એ છે કે ભારતીય કામદારોએ અચાનક મોટા પાયે ત્યાંથી પરત ના આવવું પડે. આ વાત એટલી સહેલી નથી, કેમ કે બહુ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં છે અને બીજું કે ભારત સરકારે પોતે તેમને ત્યાં મોકલ્યા નથી.
2015માં યેમનમાંથી (5000 જેટલા) અને 2011માં લિબિયામાંથી (18,000 જેટલા) ભારતીય નાગરિકોને મોટા પાયે પરત લાવવા માટે કામગીરી બજાવવી પડી હતી તે યાદ રાખવું જોઈએ. તેની સામે ગલ્ફમાંથી નાગરિકોને પરત લાવવાનું થાય તો તે સંખ્યા લાખોની છે તે બહુ મોટો પડકાર છે.
ભારતે સ્થાનિક સત્તાઓ તથા મહાસત્તાઓ સાથે સંકલન સાધીને કોશિશ કરવી રહી કે અખાતમાં રાજકીય સ્થિરતા જળવાઈ રહે. ભારતના કામદારો ત્યાં જ કામ કરતાં રહી શકે અને વતનમાં નાણાં મોકલતા રહે તે આપણા હિતમાં છે.
ભારત માટે બીજો મોટો પડકાર એ છે કે ક્રૂડ ઑઈલ અને કુદરતી ગેસની આપણે આયાત કરીએ છીએ તેમાંથી 60% જેટલી ગલ્ફના દેશોમાંથી થાય છે. 2018માં આવી કુલ આયાતનું મૂલ્ય 112 અબજ ડૉલરનું હતું. વિશ્વમાં ભારત ત્રીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ છે. અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યા તે પછી ભારતે ઈરાન ખાતેથી ક્રૂડની આયાત ઘણી ઓછી કરી છે, તેમ છતાંય વર્તમાન તંગદિલીના કારણે ભારતનું આયાત બિલ મોટું થવા જ લાગ્યું છે.
તેની સીધી અસર પેટ્રોલિયમ પદાર્થો સાથે જોડાયેલા ભારતના સ્થાનિક ઉદ્યોગો પર પણ થાય છે. ઉર્જાની જરૂરિયાત વાજબી ભાવે પૂરી થતી રહે તે જોતા રહેલું તે ભારતની એનર્જી ડિપ્લોમસીનો મહત્ત્વનો પડકાર છે.
ભારતના હિતોની જાળવણી માટેનો ત્રીજો મોટો પડકાર છે ગલ્ફનો દરિયાઇ માર્ગ ખુલ્લો રહે તે. હોર્મુઝની સામુદ્રધાની અને ઈરાન તથા અરબ દ્વિપકલ્પ વચ્ચેના પર્શિયન ગલ્ફમાં જહાજની આવનજાવન ચાલતી રહેવી જોઈએ. બીજો મહત્ત્વનો દરિયાઇ માર્ગ એટલે હિન્દ મહાસાગરને રાતા સમુદ્ર સાથે જોડતો આફ્રિકા અને યેમન વચ્ચેનો માર્ગ.
માર્ચ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગર માટેની સાગર નીતિ (એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફૉર ઓલ ધ રિજન) જાહેર કરી હતી. તેમાં સમુદ્રમાર્ગોની સલામતીને અગ્રતા આપવામાં આવી હતી.
આ નીતિ અનુસાર નવેમ્બર 2019માં ગુરુગ્રામમાં ઇન્ફર્મેશન ફ્યૂઝન સેન્ટર ફૉર ધ ઇન્ડિયન ઓશન રિજન (IFC-IOR) સ્થાપવામાં આવ્યું હતું, જેનો હેતુ મેરિટાઇમ ડોમેન અવેરનેસ (એટલે કે આ વિસ્તારમાં દરિયાઇ માર્ગની સલામતીને પારખીને તેને જાળવી રાખવા) માટેનો છે.
જૂન 2019માં ભારતે પર્શિયન ગલ્ફમાં વેપારી વહાણોના રક્ષણ માટે નૌકા દળના બે જહાજોને ગોઠવ્યા હતા. અખાતમાં અસ્થિરતા વધી છે ત્યારે સંબંધિત પ્રાદેશિક પરિબળો સાથે “પરસ્પર સહકાર અને માહિતી તથા સમજણની આપલે” માટે ભારતે પ્રયાસો કરવા જરૂરી છે. વર્તમાન કટોકટીને કાબૂમાં રાખવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ સક્ષમ નથી, ત્યારે ભારતે પ્રાદેશિક ધોરણે પહેલ કરીને અખાતની સલામતી, આર્થિક અને ઉર્જા સંપત્તિના હિતોની જાળવણી ઈચ્છતા દેશો સાથે સહકાર સાધવો જોઈએ.
આ વિસ્તારમાં ઊભી થનારી અસ્થિરતાના કારણે ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર પર આડઅસરો ના થાય તે માટે ભારતની ડિપ્લોમસીએ સક્રિય થવું પડશે. ગલ્ફમાં ભારતનો સૌથી મોટો વેપારી સાથીદાર સંયુક્ત આરબ અમિરાત છે. 2018માં બંને દેશો વચ્ચે 60 અબજ ડૉલરનો વેપાર થયો હતો.
ભારતનો સૌથી વધુ વેપાર યુરોપિય સંઘના દેશો સાથે સાથે છે અને તેનો પસાર થવાનો માર્ગ સુએઝની નહેર છે. ભારત અને યુરોપિય સંઘ વચ્ચે 2018માં 102 અબજ ડૉલરનો વેપાર થયો હતો.
આ જ દરિયાઇ માર્ગ બાબ અલ-મંદાબમાંથી બે મહત્ત્વના સમુદ્રના તળિયે નખાયેલા ફાયબર ઓપ્ટિક કેબલ્સ પસાર થાય છે. વિશ્વ સાથે ઇન્ટરનેટના માધ્યમથી ભારતને જોડવામાં ડિજિટલ ઇન્ડિયા યોજના માટે તથા ઇલેક્ટ્રોનિક કૉમર્સ માટે આ કેબલ્સ પણ અગત્યના છે.
ભારતના જીડીપીમાં આંતરરાષ્ટ્રીય વેપારનો હિસ્સો 40% જેટલો છે અને ભારતના પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના સપના માટે પણ વિશ્વવેપાર અનિવાર્ય છે.
ભારતે દ્વિપક્ષી તથા પ્રાદેશિક ડિપ્લોમસી કામે લગાડીને અખાતના વિસ્તારમાં ઊભી થયેલી તંગદિલી ઘટાડવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેથી પોતાના હિતો જળવાઈ રહે.
અશોક મુખરજી, સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ રાજદૂત