દેશનો મધ્યમ વર્ગ દવાઓ, ડોક્ટરોની ફી, લેબોરેટરી પરીક્ષણ અને હોસ્પિટલના સતત વધતા ખર્ચનો સામનો કરી શકતો નથી. આગામી દાયકામાં ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં સારવાર ખર્ચમાં વધારો જોવા મળશે. આને ટાળવાની રીત શું છે? બિમારીને રોકવા માટે આપણે ક્યા પગલા લેવાની જરૂર છે? ભારતમાં આરોગ્ય સેવાઓ સામે શું પડકારો છે?
ભારતમાં વાર્ષિક આશરે સાત ટકા પરિવાર તેની સારવારના ખર્ચને પૂરો કરવામાં દેવામાં ડૂબી જાય છે. આગામી દસ વર્ષમાં દેશમાં સારવાર પર થનારા ખર્ચમાં વાર્ષિક 5.5 ટકાના દરે વધારો થવાની શક્યતા છે.
1. હાલના સમયમાં હ્રદય રોગ અને કેંસર જેવી બિમારી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે.
2. આધુનિક સારવારનો ખર્ચ ઘણો જ વધારે છે.
3. દવાઓ અને લેબોરેટરીના ટેસ્ટની કિંમતોમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચ થનારા રૂપિયામાંથી 52 ટકા રૂપિયા દવા કંપનીને ફાળે જાય છે.
4. વૃદ્ધ લોકો દ્વારા દવાઓના સતત ઉપયોગને કારણે તેમની સાથે જોડાયેલી બિમારી અને તેની સારવારનો ખર્ચ વધી રહ્યો છે.
જ્યાં સુધી કોઈ વ્યક્તિ સ્વસ્થ છે ત્યાં સુધી બધું બરાબર છે. પરંતુ તેના બિમાર થતાની સાથે જ જાણે મુશ્કેલીનું આકાશ તેના ઉપર તૂટી પડે છે. ડોક્ટર્સની ફી, લેબોરેટરીનો ખર્ચ, સારવાર અને દવાઓનો ખર્ચ. આ દરેક પ્રકારના ખર્ચ કોઈ પણ ગરીબ અથવા મધ્યમ વર્ગના કુટુંબને દેવાના ભારણમાં ડૂબાડવા માટે પૂરતો છે. સારવારના ખર્ચને પહોંચી વળવા 20 ટકા દર્દીઓ અને તેમના પરિજનોને તેમની સંપત્તિ વેચવાની ફરજ પડે છે. આગામી દાયકામાં જે સ્થિતિનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, તે વધારે ચિંતાજનક છે. આ પેઢીના લોકો સામે સારવારના ખર્ચને પહોંચીવળવાનો પડકાર સૌથા મોટું કાર્ય છે.
ભારતથી બ્રિટન પરત આવેલા ડોક્ટરે બ્રિટન આવીને કામ શરું કરતાની સાથે જ ભારત અને બ્રિટનની સ્વાસ્થ્ય સેવાઓમાં અંતર હોવાની વાત પર ઘણો રોચક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 'બ્રિટનમાં જ્યારે કોઈ ડોક્ટર પાસે જાય છે, ત્યારે ડોક્ટર્સનું ધ્યાન તે દર્દીની બિમારીની યોગ્ય રીતે સારવાર આપવા માટે, યોગ્ય લેબોરેટરી ટેસ્ટ અને તપાસ કરવા તરફ હોય છે. જ્યારે ભારતમાં ડોક્ટર્સનું ધ્યાન દર્દીની આર્થિક સ્થિતિ, સારવારનો ખર્ચ ઉઠાવી શકવાની તેની ક્ષમતા અને સરકારી યોજના મેળવવા માટે તેની યોગ્યતા પર હોય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ બન્ને દેશોના સ્વાસ્થ્ય સિસ્ટમમાં આ સૌથી મોટો તફાવત છે. આ નિવેદનથી ભારત અને બ્રિટનમાં સારવારની સ્થિતિની માહિતી વિશે જાણી શકાય છે.
દેશના 70 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવે છે. જે કોઈ સ્વાસ્થ્ય વીમા અંતર્ગત નથી આવતું. ડેંગ્યૂ જેવી બિમારીની સારવાર કરાવવામાં પણ જ્યારે પરિવાર અસમર્થ હોય ત્યાં સારવાર માટે ઉધાર નાણાનો સહારો લેવો પડે છે.
દેશના સમૃદ્ધ સમાજના લોકોને ઈલાજના વધી રહેલા ખર્ચથી કોઈ ખાસ ફરક પડતો નથી. જ્યારે ગરીબ વર્ગની સારવારનો ખર્ચ આરોગ્યશ્રી અને આયુષ્યમાન ભારત જેવી સરકારી યોજનાઓથી પૂરો થાય છે. તો સરકારી કર્મચારીઓ માટે મેડિકલ વીમો અને મેડિકલ બીલની ચૂકવણી માટે વ્યવસ્થા હોય છે. આ બધા વચ્ચે મધ્યમ વર્ગના લોકો માટે પોતાની સારવાર કરાવવા માટે ન તો કોઈ મદદ હોય છે અને ન કોઈ સહારો. અને આ જ કારણોસર આપણે આગામી દશક માટે દેશમાં ઈલાજ ખર્ચ પર કાબૂ મેળવવા માટે કામ કરવાની જરૂર છે.
આરોગ્ય સેવાઓ પ્રત્યે જાગૃતિ વધારીને બિમારીને ઘટાડી શકાય છે. માટે જ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા, સારો ખોરાક ખાવા, નિયમિત વ્યાયામ કરવા અને સ્વચ્છતા વિશે સંપૂર્ણ જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. આ આદતોને બાળપણથી જ જીવનમાં અપનાવવાની જરૂર છે.
સમયસર પરીક્ષણ દ્વારા બિમારી અંગે માહિતી મેળવવી, એ બિમાર થયા બાદ હોસ્પિટલના ધક્કા ખાવા કરતાં વધારે સારું છે. સમયસર કરવામાં આવેલા પરીક્ષણ કેન્સર સહિતની જીવલેણ બિમારીઓના જોખમથી બચાવી શકે છે. ગરીબોમાં પણ આ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે.
આરોગ્ય વીમો એ બિમારીઓનો સામનો કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. વર્તમાન સમયમાં દેશમાં લગભગ 2.07 કરોડ તબીબી વીમા પોલીસી છે. જેનાથી 47.20 કરોડ લોકોને લાભ મળે છે. આ બધા મળીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવતા આરોગ્ય વીમા ક્ષેત્રનો સમાવેશ કરે છે. આમાંના ઘણા લોકો કેટલોક સમય માટે વીમા પોલીસીનું પ્રીમિયમ ચુકવીને બાદમાં તેને ભૂલી જાય છે. એ લોકોને એ વાત સમજવાની જરૂર છે કે, આ પોલીસીઓનું પ્રીમિયમ સારવારની કિંમત કરતા ઘણું ઓછું છે.
- આપણી વર્તમાન પરિસ્થિતિ (વિવિધ સર્વે પર આધારિત)
- વર્ષ 2000થી 2014 વચ્ચે તબીબી ખર્ચમાં 370 ટકાનો વધારો થયો છે
- આગામી દસ વર્ષમાં તબીબી ખર્ચમાં કેટલા ગણો વધારો થશે તે કહેવું મુશ્કેલ છે.
- વિવિધ દેશોમાં ઈલાજના ખર્ચમાં સરકારની ભાગીદારી: બ્રિટન 83 ટકા, ચીન 56 ટકા, અમેરિકા 48 ટકા, બ્રાઝિલ 46 ટકા, ઈન્ડોનેશિયા 39 ટકા, ભારત 30ટકા, (આ સિવાય લોકોએ પોતાના ખિસ્સામાંથી બાકીનો ખર્ચ ઉઠાવવો પડે છે.)
- પોતાની રીતે જ તબીબી ખર્ચ સહન કરનારા લોકોની સંખ્યા: અમેરિકા 13.4 ટકા, બ્રિટન 10 ટકા, ચીન 13.4 ટકા અને ભારતમાં 62 ટકા. (કારણ કે ભારતમાં મોટાભાગના લોકો એવા આરોગ્ય વીમાથી દૂર છે જે તમામ રોગોને આવરી લે છે)
- ગત વર્ષે ભારત સરકારે પ્રતિ વ્યક્તિ સરેરાશ 1657 રૂપિયા ખર્ચ કર્યા હતા.
- તો, ખાનગી આરોગ્ય સેવાઓ લેતા લોકોનો સરેરાશ વાર્ષિક ખર્ચ 31 હજાર 845 રૂપિયા હતો.