નવી દિલ્હીઃ CBIએ યસ બેન્ક મામલે તપાસ શરૂ કરી દીધી છે. તપાસના ધમધમાટ સાથે CBIએ મુંબઇ શહેરમાં 7 જગ્યાએ છાપો માર્યો હતો. તમને જણાવી દઇએ કે, યસ બેન્કના સહ-સંસ્થાપક રાણા કપૂર, દીવાન હાઉસિંગ (ડીએચએફએલ), ડીઓઆઇટી અર્બન વેંચર્સ કંપની અને ડીએચએફએલના પ્રવર્તક નિર્દેશક કપિલ વધાવન વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર, વિશ્વાસઘાત અને ભ્રષ્ટ્રાચારના આરોપમાં એફઆઇઆર દાખલ કરાઇ છે.
શું છે ઘટના?
એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, કપૂરે યસ બેન્ક મારફતે ડીએચએફએલને નાણાંકીય સહાય આપવા માટે કપિલ વધાવનની સાથે મળી અપરાધીક ષડયંત્ર રચ્યું છે. જેના બદલામાં પોતાના માટે અને પરિવારના સભ્યો માટે તેમની કંપનીઓ મારફતે અયોગ્ય લાભ લેવાનો પ્રયત્ન કરાયો હતો. તેમણે કહ્યું કે, ગત રોજની રાત્રે પ્રવર્તન નિર્દેશાલયે કપૂરની ધરપકડ કરી હતી અને શનિવારે CBI દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆર આધારિત મની લોન્ડ્રિંગ એક્ટ મુજબ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.
CBIની એફઆઇઆર અનુસાર, ગોટાળો એપ્રિલ 2018ની વચ્ચે શરૂ થયો હતો. જ્યારે યસ બેન્કે કૌભાંડી દીવાન હાઉસિંગ વિત નિગમ લિમિટેડના ટૂંકાગાળાના પત્ર પર 3700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં કપિલ વધાવને ડીઓઆઇટી અર્બન વેંચર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને ઋણ સ્વરૂપે કપૂર અને પરિવારના સભ્યોને કથિત રૂપે 600 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. હાલ આ સમગ્ર મામલે CBI દ્વારા કપૂરની પૂછપરછ કરવામાં આવી રહી છે.