તંદુરસ્ત આરોગ્ય માટે નિદ્રા અનિવાર્ય છે અને પૂરતી ઊંઘ ન ધરાવનારા લોકો મોટાભાગે તણાવ, ચીઢિયાપણાનો શિકાર બને છે અને આખો દિવસ સુસ્તીનો અનુભવ કરે છે. વ્યક્તિની ઊંઘની ગુણવત્તા કે પેટર્ન પર અસર નીપજાવવા માટે વિવિધ કારણો જવાબદાર હોય છે અને તે પૈકીનું સૌથી સામાન્ય કારણ આહારની ટેવ છે. આહાર અને નિદ્રા વચ્ચે ગાઢ સબંધ રહેલો છે અને આથી જ, ઊંઘવાના સમય પહેલાં ચા, કોફી, આલ્કોહોલ તથા કેફિન ધરાવતા અન્ય ઉદ્દીપક ખાદ્ય પદાર્થો અને પીણાંનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. આવા પદાર્થોનું સેવન કરવાથી તમારી ઊંઘમાં વિક્ષેપ સર્જાઇ શકે છે. જોકે, આ ઉત્તેજકોને સ્થાને અહીં ઊંઘવામાં મદદરૂપ બનતા કેટલાક આહાર વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં ઉપયોગી નીવડે છે અને પરિણામસ્વરૂપે તમારી સવાર તાજગીસભર અને આરામદાયક બની રહે છે.
હૂંફાળું ગરમ દૂધ
તમે તમારાં દાદી-નાની પાસેથી સાંભળ્યું હશે કે, રાતે સૂતાં પહેલાં એક પ્યાલો હૂંફાળું દૂધ પીવું. આ પાછળનું વાસ્તવિક કારણ એ છે કે, દૂધમાં ટ્રાપ્ટોફન ઉપરાંત કેલ્શિયમ, મિલેટોનિન અને વિટામીન-ડી જેવાં પોષક તત્વો રહેલાં છે. આ ચારેય દ્રવ્યો ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. સ્હેજ સ્વાદ માટે અને શરીરમાં ઉમેરારૂપ લાભ માટે, તમે તેમાં હળદર પણ ઉમેરી શકો છો.
નટ્સ (સૂકો મેવો)
તમામ પ્રકારના સૂકા મેવામાં જુદી જુદી માત્રામાં મેગ્નેશિયમ, ટ્રાઇટોફેન, મિલેટોનાઇન વગેરે જેવાં ખનીજ તત્વો રહેલાં છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, આ ખનીજ તત્વોનું મિશ્રણ અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં સહાયરૂપ નીવડે છે.
કેમોમાઇલ ટી
ચાની દુનિયામાં અત્યંત પ્રસિદ્ધ એવી કેમોમાઇલ ટી તણાવ અને વ્યગ્રતા જેવાં લક્ષણોમાંથી રાહત આપવા માટે જાણીતી છે. જેને પગલે વધુ ઝડપથી અને બહેતર ઊંઘ આવે છે. આ ચામાં ફ્લેવોનોઇડ્ઝ તથા એપીજિનીંગ તેમજ એન્ટિઓક્સિડન્ટ્સ રહેલાં છે, જે અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે.
કીવી
વિટામીન સીથી ભરપૂર ફળ કીવીમાં કેલેરી ઓછી હોય છે અને પોષક દ્રવ્યો પુષ્કળ માત્રામાં રહેલાં હોય છે. તેમાંથી એન્ટિઓક્સિડન્ટ્સ, મિલેટોનાઇન, ફોલેટ, મેગ્નેશિયમ વગેરે જેવાં ખનીજ તત્વો મળે છે, જે તમામ ઊંઘ લાવવામાં સહાયક બની રહે છે.
ટર્કી
થેન્ક્સગિવિંગ ડેની રાત્રે ટર્કીનું ભોજન આરોગ્યા બાદ લોકો તરત નિદ્રાવશ થઇ જાય છે, તેમાં કોઇ નવાઇ નથી. ટર્કીમાંથી પ્રોટીન તેમજ ટ્રાઇટોફેન મળી રહે છે, જેના કારણે શરીરને થાકનો અનુભવ થાય છે અને પરિણામે વ્યક્તિને બહેતર ઊંઘ આવે છે.
ફેટ્ટી ફિશ
વિટામીન ડી અને ઓમેગા ૩ ફેટ્ટી એસિડ્ઝનો સમૃદ્ધ સ્રોત હોવાથી સાલ્મન, ટ્યૂના, મેકેરલ વગેરે જેવી ફેટ્ટી ફિશ સેરોટોનિનનું નિયમન કરવામાં મદદરૂપ બને છે. સાથે જ તે નિદ્રાની ગુણવત્તા તથા સ્લીપ સાઇકલમાં સુધારો કરવામાં ઉપયોગી બને છે.