હૈદરાબાદઃ અંદરખાને એક એવી કોન્સ્પિરસી થિયરી ચર્ચાઇ રહી છે કે, ચીને પોતે સર્વોપરી સત્તા બનવા માટે કોરોના વાઇરસનું સર્જન કર્યું છે. વાઇરસ વુહાનની લેબોરેટરીમાંથી બહાર નીકળ્યો હતો, તે તથ્ય ચીનની સરકારે છૂપાવ્યું હોવાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આરોપ આ થિયરીનું સમર્થન કરે છે. પરંતુ વિજ્ઞાનીઓ અને ગુપ્તચર સંસ્થાઓ અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવે છે. તેમને એ વાતની ખાતરી છે કે, આ વાઇરસ માનવી-પ્રાણી વચ્ચેના સંક્રમણ થકી વિકસ્યો છે.
બીજી એક દલીલ એવી છે કે, અમેરિકાના નેતાઓ મહામારી સામેની કાર્યવાહી કરવામા તેમને મળેલી નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવા માટે ચીન ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. વળી, અમેરિકાએ વુહાનમાં આવેલી વિવાદાસ્પદ ચાઇનિઝ લેબોરેટરીને 3.7 મિલિયન ડોલરનું ભંડોળ પૂરું પાડ્યું હતું, તે હકીકત પરથી તાજેતરમાં જ પડદો ઊઠ્યો છે. એશિયન દેશોમાં 2002-03 દરમિયાન સાર્સ રોગચાળો ફાટી નિકળ્યો, ત્યારે ચીને ભવિષ્યના રોગચાળાનો સામનો કરવા માટે વધુ સુસજ્જ હોય તેવી વાઇરોલોજી લેબોરેટરી વુહાનમાં સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. ચીનની સરકારે આશા વ્યક્ત કરી હતી કે વાઇરોલોજીના અભ્યાસો એન્ટિવાઇરલ દવાઓ વિકસાવવા ક્ષેત્રે યોગદાન આપશે. ઘણા સૂત્રો જણાવે છે કે, ચીને લેબોરેટરીમાં વાઇરસ વિકસાવીને વિશ્વનાં રાષ્ટ્રો વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું હોવાના કોઇ પુરાવા મોજૂદ નથી.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ પુષ્ટિ કરી છે કે, આતંકવાદી જૂથો કોરોનાવાઇરસ ફેલાવવાની યોજના ઘડી શકે છે. વ્હાઇટ રેસિસ્ટથી માંડીને ઇસ્લામિક આતંકવાદીઓ સહિતના અંતિમવાદી વિચારધારા લોકો આવા જૈવિક શસ્ત્રોના યુદ્ધમાં સંડોવાય, તેવી શક્યતા છે. ગુપ્તચર અહેવાલના આધારે જાણવા મળ્યું હતું કે, એક આતંકવાદી જૂથે આવા હુમલાનું શરણ લઇ લીધું છે. જો કોરોનાવાઇરસના કેસોનો એકી સાથે રાફડો ફાટ્યો, તો જાહેર હેલ્થ કેર વ્યવસ્થા પડી ભાંગશે અને સરકાર નિઃસહાય સ્થિતિમાં આવી પડશે. ગુપ્તચર સૂત્રો સૂચવે છે કે, સરકારે આતંકવાદી હુમલાને ખાળવા માટે ત્રણ ચરણની વ્યૂહરચનાનો અમલ કરવો જોઇએ. સૌપ્રથમ, સરકારે આતંકવાદી હુમલાને લગતી કોઇ પણ વાતચીત અંગે તપાસ કરવા સોશ્યલ મીડીયા, ઇમેઇલ, એસએમએસ, ઇન્ટરનેટ ચેટરૂમ અને મેસેજ બોર્ડ્ઝ ટ્રેક કરવાં જોઇએ. આવી માનસિકતા કે વિચારધારા ધરાવનારા લોકો પર દેખેરખ રાખવી જોઇએ. તેમનાં રહેઠાણના સ્થળ પર ચાંપતી નજર રાખવી જોઇએ. આવા ઇરાદાપૂર્વકના ચેપને બાયોટેરરિઝમ ગણવો જોઇએ અને દોષિતને ગંભીર સજા ફટકારવી જોઇએ. બીજા ચરણમાં, આંતરરાષ્ટ્રીય સ્પ્રેડર્સને શોધી કાઢીને તેમને સજા કરવી જોઇએ. વાઇરસના પ્રસારના પ્રારંભિક તબક્કાઓમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અસરકારક હોવા છતાં, પ્રસરણ ત્રીજા તબક્કામાં પહોંચે, ત્યારે ઇન્ફેક્શનનો મૂળ સ્રોત શોધવો મુશ્કેલ બની રહે છે. બાયોટેરરિસ્ટ્સને કેવી રીતે ઝડપી પાડવા તેનો જવાબ એપિડેમિઓલોજી પાસે મોજૂદ છે. જો વિસ્તારમાં નવા પ્રકારની બિમારી દેખા દે, તો તે ઇરાદાપૂર્વક દાખલ કરવામાં આવી હોય, તેવું અનુમાન કરી શકાય છે. શરૂઆતમાં ભારતમાં પગપેસારો કરનારા કોરોનાવાઇરસનાં મૂળ ચીન તથા ઇટાલીમાં રહેલાં હતાં. તે જ રીતે, આ વાઇરસ ચીન, ઇટાલી અને ફ્રાન્સના પ્રવાસીઓ થકી અમેરિકામાં પ્રવેશ્યો હતો. જે-તે વિસ્તારમાં વાઇરસની સરખામણી કરીને અને તફાવતો શોધી કાઢીને અધિકારીઓ જાણી શકે છે કે, તે ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવ્યો છે કે કેમ. ગુપ્તચર સૂત્રોએ સરકારને લોકડાઉન, ટેસ્ટિંગ, ક્વોરન્ટાઇન અને આઇસોલેશનની પદ્ધતિઓની મદદ થકી વિદેશી વાઇરસો સામે સ્થાનિક પ્રજાનું રક્ષણ કરવાની સલાહ આપી છે.
પાકિસ્તાનમાંથી કોરોનાવાઇરસ ફેલાવવા માટે ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરે તેનું જોખમ ઘણું વધી ગયું છે. આતંકવાદીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવીને સંક્રમણને અટકાવવાનો પ્રયત્ન કરી રહેલા ભારતીય સશસ્ત્ર દળોમાં વાઇરસનો પ્રસાર કરવાની કોશીશ કરી શકે છે. આ પ્રયાસો આડે વિક્ષેપ ઊભો કરવા માટે આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરવા માટે પ્રયત્નશીલ છે. લોકડાઉનના નિયમોનો અમલ કરાવવાની સાથે લશ્કર આતંકવાદી હુમલાઓ ખાળવા માટે પણ ઝઝૂમી રહ્યું છે. વધુમાં, આર્મી નાગરિકોમાં વાઇરસ ફેલાતો અટકાવવા માટે સરકારને મદદ પૂરી પાડે છે. ભારતીય લશ્કરી દળોએ કોરોનાના શંકાસ્પદ કેસો માટે 48 કલાકની અંદર માનેસરમાં ક્વોરન્ટાઇન કેન્દ્રનું નિર્માણ કર્યું છે. ભારતીય એર ફોર્સ વિદેશમાં ફસાયેલા ભારતીયોને વિમાન મારફત પરત લાવી રહ્યું છે. ભારતીય લશ્કર 13,000 કરતાં વધુ ડોક્ટરો, સ્પેશ્યાલિસ્ટ્સ અને નર્સ ધરાવે છે. આ ઉપરાંત, તેની પાસે 1,00,000 સહાયક મેડિકલ સ્ટાફ છે. એક ભૂતપૂર્વ આર્મી કમાન્ડરે સૂચવ્યું હતું કે, આ લશ્કરી દળના એક તૃત્યાંશ ભાગને દેશભરમાં કોરોના સંબંધિત પ્રવૃત્તિઓ માટે તૈનાત કરી શકાય છે. નિવૃત્ત લશ્કરી સ્ટાફ મદદ કરવા માટે તૈયાર છે. ભારતમાં 130 મિલિટરી હોસ્પિટલ આવેલી છે. જો જરૂર પડે, તો 100 ફિલ્ડ લેવલની હોસ્પિટલો ઊભી કરવા માટે મિલિટરી એન્જિનીયરો નાગરિક ઇમારતો, ફેક્ટરીઓ અને શેડ્ઝને કોરોના કેર સેન્ટરમાં રૂપાંતરિત કરી શકે છે. જો ટ્રાન્સમિશન (પ્રસરણ)નો ત્રીજો તબક્કો શરૂ થયો, તો કેન્દ્ર સરકાર લોકડાઉનનો અમલ કરાવવા માટે સશસ્ત્ર દળોને તૈનાત કરી શકે છે.
આતંકવાદીઓ કોરોનાના દર્દીઓનો વાઇરસ ફેલાવવા માટેના જૈવિક હથિયાર (બાયોવેપન) તરીકે ઉપયોગ કરે, તે શક્યતાને નકારી શકાય નહીં. યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે, જો આતંકવાદી જૂથો ઘાતકી વાઇરસ પર કબ્જો મેળવી લેશે, તો સમગ્ર વિશ્વમાં ભારે વિનાશ સર્જાશે. કોવિડ-19 તે જ રીતે વિશ્વના દેશો અને અર્થતંત્રોની તબાહી સર્જી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે, લાંબા લોકડાઉન સામાજિક અશાંતિ તથા આતંકવાદી હુમલાઓમાં પરિણમી શકે છે. ગુટેરેસે જણાવ્યું હતું કે, જો વિભિન્ન મિલિટરી જૂથોએ કોરોનાવાઇરસના સ્વરૂપમાં અરાજકતા અને હિંસા આચરવાનું નક્કી કર્યું, તો આ મહામારી બેકાબૂ બની જશે. સરકારો અત્યારે રોગચાળાને કાબૂમાં લેવા મથી રહી છે, ત્યારે આતંકવાદી જૂથો આને હુમલો કરવા માટેની તક ગણી શકે છે.