ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2020 : રોકાણકારોની વહારે - લોકો બચત

ભવિષ્ય માટે દરેક લોકો બચત કરતા હોય છે. સમાજમાં બાળકોને માટીના ગલ્લામાં પૈસા બચાવવા માટે પ્રોત્સાહન અપાતું હોય છે, જેથી તેમને સુટેવ પડે. તેવા સંજોગોમાં બેન્કો બચત માટે ભરોસાનું સ્થાન હોય છે.

બજેટ 2020 : રોકાણકારોની વહારે
બજેટ 2020 : રોકાણકારોની વહારે

By

Published : Feb 14, 2020, 11:42 PM IST

બેન્ક આખરે પોતાના પૈસા સલામત રાખશે તેવા વિશ્વાસને કારણે તથા થોડું વધારે વ્યાજ મળશે તેમ સમજીને લોકો પોતાની પરસેવાની કમાણી સહકારી બેન્કોમાં મૂકતા હોય છે. થોડા વખત પહેલાં પંજાબ મહારાષ્ટ્ર કૉ-ઓપરેટિવ બેન્ક (PMC)નું કૌભાંડ બહાર આવ્યું ત્યારે બેન્કો પરનો ભરોસો તૂટી ગયો અને સહકારી સંસ્થાઓને નિયંત્રણમાં રાખવામાં આરબીઆઈ જેવી સત્તા બેઅસરકાર હોય છે તે પણ ખુલ્લું પડી ગયું.

હાલમાં રજૂ થયેલા બજેટમાં આવા કૌભાંડનો અટકાવવા માટેનો નિશ્ચય વ્યક્ત થયો છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં સુધારો કરાશે અને સહકારી બેન્કોમાં વધારે પ્રોફેશનલિઝમ આવે તે માટે કોશિશ કરાશે. સાથે જ રોકાણ માટેની વધારે તકો ઊભી થાય અને કામગીરી પણ સુધરે તે માટે આરબીઆઈનું મોનિટરિંગ ગોઠવાશે એમ જણાવાયું હતું. તે પ્રમાણે મોદી સરકારે ખરડો પસાર કરીને આરબીઆઈને સત્તા આપી છે, જેથી તે 1540 કૉ-ઓપરેટિવ બેન્કોના 8.6 કરોડ ખાતેદારોના હિતોનું રક્ષણ કરી શકે.

અગાઉની જેમ કૉ-ઓપરેટિવ રજિસ્ટ્રારે સહકારી બેન્કોની માલિકી અંગે તપાસ કરવાની છે. સાથે જ આરબીઆઈ દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન પણ સહકારી બેન્કોએ કરવાનું છે.

વેપારી બેન્કોની જેમ જ સહકારી બેન્કના સીઈઓની નિમણૂક કરવા માટે સહકારી બેન્કોએ આરબીઆઈની મંજૂરી લેવી જરૂરી બનાવાઈ છે. આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે નિયમિત ઑડિટિંગ કરાવવું જરૂરી બનાવાયું છે. નબળી સહકારી બેન્કોનો વહિવટ પોતાને હસ્તક લેવાની સત્તા પણ આરબીઆઈને મળી છે.

આ પ્રકારના સુધારા અગાઉથી જ લાવવાની જરૂર હતી, જેથી કૌભાંડીઓ કાબૂમાં રહેત અને સહકારી બેન્કોની છાપ ખરડાત નહિ. અર્બન કૉ-ઓપરેટિવ બેન્કો નાના ઉદ્યોગો, દુકાનદારો, એન્ટ્રપ્રન્યોર, પ્રોફેશનલ્સ અને બાંધી આવક ધરાવતા વર્ગને લોન આપવા માટેનું પસંદ કરતી હોય છે. યોગ્ય રીતે ચલાવવામાં આવે તો સહકારી બેન્કો અર્થતંત્રના આ ક્ષેત્રમાં સહાયરૂપ થઈ શકે તેમ છે. જોકે સહકારી બેન્કો લેભાગુ લોકોના હાથમાં પડી જાય છે, ત્યારે નિર્દોષ થાપણદારોને ભોગવવાનું આવે છે.

નરસિંહમૂર્તિ સમિતિએ અર્બન સહકારી બેન્કોમાં પ્રવર્તતિ અનિયંત્રિત સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું. સમિતિએ તેના કારણો આપતા જણાવ્યું હતું કે: અપૂરતી મૂડી, ખોટા સભ્યો, ધિરાણ આપવાની સત્તાનું કેન્દ્રીકરણ, મળતિયાઓને બેફામ ધિરાણ, લોન વસુલીમાં લાપરવાહી વગેરે તે માટે જવાબદાર છે.

આ મર્યાદાઓ વચ્ચે પણ બેન્કોની અને તેમાં મૂકવામાં આવતી થાપણોનો વ્યાપ ખૂબ વધ્યો છે. 1991માં અર્બન કૉ-ઓપરેટિવ બેન્કોની સંખ્યા 1,307 હતી અને કુલ 8,600 કરોડ રૂપિયાની થાપણો હતી. 2004 સુધીમાં બેન્કોની સંખ્યા વધીને 2,105 થઈ હતી, જ્યારે થાપણોની રકમ વધીને 1 લાખ કરોડને વટાવી ગઈ હતી. ત્યારબાદ નિષ્ફળતાઓને કારણે બેન્કો બંધ થવા લાગી અને સંખ્યા ઘટીને 1,540 થઈ છે, પણ થાપણની રકમ વધીને 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જંગી થાપણોને કારણે ગેરરીતિ અને કૌભાંડો પણ વધ્યા છે.

સાત રાજ્યોમાં શાખા ધરાવતી PMC બેન્કમાં 11,600 કરોડ રૂપિયાની થાપણો હતો અને તેમાં 21,000 બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. તે રીતે 70% જેટલી મૂડી નકલી ખાતાઓમાં ગુપચાવી દેવાયા હતા. એટલે કે 6,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું, જે રકમ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને પધરાવી દેવાઈ હતી. બેન્કને હવે આરબીઆઈની સીધી દેખરેખ નીચે મૂકી દેવામાં આવી છે. આરબીઆઈની દેખરેખ નીચે હવે 25 જેટલી બેન્કો આવી ગઈ છે, ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે વધારે કાનૂની નિયંત્રણો જરૂરી બન્યા છે.

છેક 2002માં કેન્દ્ર સરકારને ખ્યાલ આવ્યો હતો કે સહકારી બેન્કોમાં ગોલમાલ માટેનું એક કારણ હતું બેવડી નિયંત્રણ પ્રણાલી. કોઈ બેન્કમાં રાતોરાત બોર્ડને બદલી નાખવામાં આવતું હતું. તે વખતે કૉ-ઓપરેટિવ રજિસ્ટ્રાર અને આરબીઆઈ એકબીજા સામે આંગળી ચીંધીને જવાબદારી ખંખેરી નાખતા હતા. બેન્કના મેનેજમેન્ટમાં ફાઇનાન્સ, બેન્કિંગ અને ઑડિટ સેક્ટરના નિષ્ણાતો હોવા જોઈએ, શેડ્યુઅલ બેન્ક કરતાં 2%થી વધુ વ્યાજ સહકારી બેન્કોએ આપવું જોઈએ નહિ, વીમાની સુરક્ષા વધારીને 2.5 લાખની થાપણ સુધી કરવી જોઈએ એવી ભલામણો થયેલી જ હતી, પણ છેલ્લા 16 વર્ષથી તે ધૂળ ખાતી પડી છે.

કેન્દ્ર સરકારે સહકારી બેન્કોમાં લોકોનો વિશ્વાસ વધે તે માટે ઝડપથી પગલાં લીધાં છે. વીમાનું કવચ હવે એક લાખથી વધારીને પાંચ લાખની થાપણ સુધી કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. બંધારણમાં સહકારી સંસ્થાઓ માટેનો કાયદો છે તેથી તેને અવગણી શકાય નહિ, પણ ભૂતપૂર્વ ડેપ્યુટી ગર્વરન આર. ગાંધીના વડપણ હેઠળની સમિતિએ ભલામણ કરી હતી કે શેડ્યુઅલ બેન્કમાં હોય તે રીતે ડિરેક્ટર્સે પોતાની સત્તા 'બોર્ડ ઑફ મેનેજમેન્ટ'ને સોંપી દેવી જોઈએ.

આ વર્ષની શરૂઆતમાં આરબીઆઈએ પણ માર્ગદર્શિકા જાહેર કરી હતી કે 100 કરોડ રૂપિયાથી વધુની થાપણો ધરાવતી બેન્કોમાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સ ઉપરાંત બોર્ડ ઑફ મેનેજમેન્ટની પણ રચના કરવી જોઈએ. કડક કાયદા અને નિયંત્રણો સાથે, મજબૂત વ્યવસ્થા તંત્ર સાથે અને દેખરેખની અસરકારક પદ્ધતિ સાથે બેન્કોમાં અંદરથી જ કૌભાંડો થાય છે તેને અમુક અંશે અટકાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details