શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યું હતું, ત્યારે શાંતિ વ્યવસ્થાને ધ્યાને રાખી અમુક પ્રકારના પગલા ઉઠાવવામાં આવ્યા હતાં. પણ જેવી પરિસ્થિતિ સામાન્ય થઈ કે, તુરંત જ પ્રતિબંધ હટાવી દીધો.
કોંગ્રેસ સાંસદોને કોણે રોક્યા છે, કાલે સવારે ફ્લાઈટ પકડીને કાશ્મીર ઉપડી જાવ: ભાજપ - કાશ્મીરના દરવાજા ખુલ્લા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત યુરોપીય સંધના 28 સાંસદોના કાશ્મીર પ્રવાસને લઈ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ પર પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે. પાર્ટીનું કહેવું છે કે, કાશ્મીર જવા માટે હવે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. દેશ-વિદેશના પર્યટકો માટે કાશ્મીરના દરવાજા ખુલ્લા મુકી દીધા છે, ત્યારે આવા સમયે વિદેશી સાંસદોને લઈ સવાલ ઊભો કરવો યોગ્ય નથી. ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસૈને મંગળવારના રોજ કહ્યું હતું કે, કોંગ્રેસે જવું છે તો, કોંગ્રેસ વાળા કાલે સવારે જ ફ્લાઈટ પકડીને જતાં રહે. ગુલમર્ગ જાવ, અનંતનાગ જાવ, હરો-ફરો, કોણે રોક્યા છે. હવે સામાન્ય પર્યટકો માટે પણ કાશ્મીર ખુલ્લુ મુકી દીધું છે.
તેમણે કહ્યું હતું કે, હવે અમારી પાસે છુપાવવા જેવું કશું પણ નથી, દેખાડવાનું છે.
ભાજપ પ્રવક્તાએ આગળ જણાવ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાં તણાવ વધવાની શંકા હતી, ત્યારે બાબા બર્ફાનીના દર્શન પણ રોકી નાખ્યા હતાં. યુરોપીય સાંસદ કાશ્મીર જવા ઈચ્છે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે મળ્યા તો મંજૂરી આપી. કાશ્મીરને જ્યારે સામાન્ય પર્યટકો માટે ખુલ્લુ મુકી દીધું છે, તો પછી વિદેશી સાંસદોના જવા પર શું કામ હૈયાવરાળ કાઢો છો. વિદેશી સાંસદોના પ્રતિનિધિમંડળના કાશ્મીર જવાથી પાકિસ્તાનનો અપપ્રચાર પણ ખતમ થઈ જશે.