રાફેલ મુદ્દે BJPએ રાહુલ ગાંધી સામે મોરચો માંડ્યો છે. BJPએ કહ્યું કે, શનિવારે આખા દેશમાં વિરાધ પ્રદર્શન કરશે. BJPની એક જ માંગ છે કે, રાહુલ ગાંધી માફી માંગે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે રાફેલ ડિલ મામલે કેન્દ્ર સરકારને ક્લિન ચિટ દેવાના ચુકાદા પર પુનઃવિચારની અરજી ગુરૂવારે ફગાવી દીધી હતી. ભાજપે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના રાફેલ ડિલ કેસના ચુકાદાથી કોંગ્રેસ અને તેના નેતાઓના જુઠ્ઠાણા સામે આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના મહાસચિવ ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે, લોકતંત્રમાં સૈદ્ધાંતિક કે વિચારધારાનું ઘર્ષણ આવકાર્ય છે. રાહુલ ગાંધીએ જે રીતે જૂઠાણાંનો સહારો લીધો છે, જે બદલ તેને કોર્ટની માફી માંગવી પડી છે. હવે તેની પાસે દેશની જનતાની માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નથી.
યાદવે દાવો કરતા કહ્યું કે, આવુ પહેલી વાર બન્યું છે કે, કોઈ રાષ્ટ્રીય નેતાને સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડી હોય, અને તે પણ એ સમયે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. ભાજપ કાર્યાલયથી જિલ્લા સ્તરે પ્રદર્શનની શરુઆત ગુરૂવારથી કરી હતી. જે અંતર્ગત શુક્રવારે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પાસે પણ વિરોધ કર્યો હતો.
આ પહેલા દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીની આગેવાની હેઠળ ભાજપ નેતા અને કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ સુત્રોચાર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છાપ ખરાબ કરવા બદલ વિપક્ષ માફી માંગવા માગ કરી હતી. મનોજ તિવારીએ જણાવ્યું કે, કોંગ્રેસ અને તેના નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છાપ ખરાબ કરવા રાફેલ ડિલમાં પાયાવિહોણા આરોપો કર્યા હતા.
પ્રદર્શનકારીઓ અને મધ્ય દિલ્હીમાં અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય તરફ રેલીએ પ્રસ્થાન કર્યું હતું, પરંતું પોલીસ દ્વારા તેમની અટકાયત કરી પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જુઠ્ઠાણાનું સત્ય સામે આવ્યું છે. હવે કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી ભાજપની માફી માગે. લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ અરબો ડૉલરની રાફેલ ડિલ મુદ્દે વડા પ્રધાન પર ઘણા કટાક્ષ કર્યા હતા.