નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ભાજપે આજે રવિવારે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, બેઠકની વહેંચણી પર સહમતિ બન્યા બાદ જનતા દળ યુનાઇટેડ પહેલેથી જ 115 બેઠકો માટે તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી: ભાજપે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ અગાઉ ભાજપે 6 ઓક્ટોબરના રોજ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. રવિવારે ભાજપે જે 46 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં સીતામઢી, સિવાન અને ગોપાલગંજ વિધાનસભા બેઠકો પણ સમાવેશ થાય છે.
પ્રથમ યાદીમાં ભાજપે બક્સર વિધાનસભા બેઠક પરથી પરશુરામ ચતુર્વેદીને ટિકિટ આપી હતી, જ્યારે અરવલ વિધાનસભા બેઠક પરથી દિપક શર્માને ટિકિટ આપી હતી. આ બંનેના નામ ઉપરાંત ભાજપની પ્રથમ યાદીમાં શ્રેયસી સિંહને પાર્ટીએ જમુઇ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તેમને પાર્ટીની સદસ્યતા આપી હતી.