બેંગ્લોર : રેલવે પ્રધાન પિયૂષ ગોયલ રેલ્વેના આધુનિકીકરણ માટે આરામદાયક સુવિધાઓની જાણકારી સોશિયલ મીડિયામાં આપતા રહેતા હોય છે. ત્યારે રવિવારે પિયુષ ગોયલે કર્ણાટકના રેલ્વે પાટા પર પાણીના ગ્લાસનો ટેસ્ટ લીધો હતો. તેણે પોતાના ડબ્બાના ટેબલ પર પાણીથી ભરેલા ગ્લાસનો એક વીડિયો શેર કર્યો. જેમાં તેમના પ્રવાસ દરમિયાન ગ્લાસમાંથી એકપણ પાણીનું ટીપું છલકાયું નહીં.
હાઇ સ્પીડ યાત્રા દરમિયાન રેલપ્રધાને વીડિયો કર્યો શેર
રેલવે પ્રધાન પિયૂષ ગોયલે બેંગ્લોર- મેસુર રેલપાટાના સમારકામ બાદ હાઇ સ્પીડ યાત્રા દરમિયાનમાં આ વીડિયો શેર કર્યો હતો. ડબ્બામાં તેમના ટેબલ પર એક પાણીથી ભરેલા ગ્લાસમાંથી એકપણ પાણીનું ટીપું બહાર છલકાયું નહીં. રેલપ્રધાને શુક્રવારે રાત્રે એક ટ્વીટ કરી વીડિયો શેર કર્યો હતો.
130 કિલોમીટર લાંબા માર્ગનું 6 મહિનામાં 40 કરોડના ખર્ચે સમારકામ
પિયુષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, આ રેલ્વે દ્વારા કર્ણાટકના બેંગલુરુ-મૈસુરુ વચ્ચેના ટ્રેકનું સમારકામ કરવાનું પરિણામ છે. તેમજ બધાએ તે જોવું જ જોઇએ. રેલવેના અધિકારીએ માહિતી આપી હતી કે, 130 કિલોમીટર લાંબા માર્ગનું 6 મહિનામાં 40 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે.