ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ સપ્તાહમાં તમને શું લાભ થશે, જાણો તમારુ રાશિફળ - astrology news

ન્યુઝ ડેસ્કઃ આ સપ્તાહમાં તમને શું શું લાભ થશે અને તમને ધંધામાં કે સામાજીક જીવનમાં ગ્રહોની કેવા પ્રકારની અસર રહેશે તે જાણવા જુઓ તમારુ રાશિફળ.

fsdf

By

Published : Nov 4, 2019, 9:07 AM IST

મીન: મનોરંજન કે કામકાજ અર્થે નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે. ઓફિસ કે વેપારમાં હિતશત્રુઓને આપ આંખમાં કણાની જેમ ખટકો છો પરંતુ ચિંતાની જરૂર નથી કારણ કે આપની સામે તેમના કોઈ જ દાવપેચ ચાલવાના નથી. તમે પ્રોફેશનલ મોરચે અત્યારે ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધીને પોતાની પોઝિશન અને સંપર્કો વધુ મજબૂત બનાવશો. કેટલાક જાતકોને અત્યારે કામકાજમાં ધરમૂળથી ફેરફાર કરવાના વિચારો આવી શકે છે. ખાસ કરીને સપ્તાહના મધ્યમાં આવા કોઇપણ વિચારોનો અમલ કરતા પહેલાં સાચવજો અન્યથા ખોટો નિર્ણય તમને મોટુ નુકસાન કરાવી શકે છે. છેલ્લા ચરણમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે આપને વિશેષ આકર્ષણ રહે. વિદ્યાર્થીઓ અભ્યાસનું યોગ્ય આયોજન કરી શકે પરંતુ સપ્તાહના મધ્યમાં તમારું મન અભ્યાસમાં ઓછુ પરોવાશે જેથી તે અનુસાર શિડ્યૂલ તૈયાર કરવું. સ્વાસ્થ્યમાં એકંદરે ચડાવઉતારની સ્થિતિ વર્તાઇ રહી છે. ખાસ કરીને કમરમાં દુખાવો, બ્લડપ્રેશર અથવા પિત્તને લગતી ફરિયાદો હોય તેમણે સાચવવું પડશે. પરિવારના કોઇ સભ્યની બીમારી તમને બેચેન રાખે તેવી પણ શક્યતા છે.


મેષ: સપ્તાહની શરૂઆત પ્રોફેશનલ મોરચે ગતિવિધીઓ સાથે થશે. કામકાજના સ્થળે આ સપ્તાહે ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. વેપારી વર્ગ માટે લાભદાયી સમય રહેશે. વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય. નોકરિયાત વર્ગ ઓફિસમાં પરફોર્મન્સ સુધારી શકશે. મિત્રો તરફથી પણ પૂરતો સહકાર અને લાભ મળે. જૂના મિત્રો સાથે વર્ષો બાદ થયેલી મુલાકાત આપને ભૂતકાળની સફર કરાવશે. વિદ્યાર્થીવર્ગ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે. સપ્તાહના મધ્યમાં પ્રણય સંબંધો આપના માટે રણમાં મીઠી વીરડી સમાન પુરવાર થશે અને આપને અંગત જીવનમાં ઘણી રાહત આપશે. જીવનસાથી અથવા પ્રિય પાત્ર સાથે પ્રેમની ક્ષણો માણી શકશો તેમજ એકબીજાને ભેટ-સોગાદો આપશો. અંતિમ ચરણમાં નાણાંભીડની સ્થિતિમાં કરજ લેવાનું ટાળજો નહીંતર ચિંતા બમણી થઈ જશે. વિદ્યાર્થીવર્ગે હવે ઈતરપ્રવૃત્તિઓ છોડી અભ્યાસમાં એકાગ્રતા કેળવવી પડશે. છેલ્લા બે દિવસમાં આપના મનમાં નકારાત્‍મક વિચારો વધી શકે છે. ખાનપાનમાં ધ્‍યાન રાખવું. વાહન ચલાવતાં સંભાળવું,અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઊભો થાય. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે.

વૃષભ: વેપારીઓ કે ધંધાર્થીઓ નવા પ્રોજેક્ટોના પ્રારંભ કે આયોજન સાથે શુભ શરૂઆત કરી શકે છે. નોકરી- ધંધાના સ્‍થળે આપને ક્લાયન્ટસ્ કે ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. નોકરિયાતોને બઢતી કે પગાર વધારાના સારા સમાચાર મળશે. કામકાજ અર્થે નાની મુસાફરીનું આયોજન શક્ય બને. આર્થિક લાભની શક્યતાઓ છે પરંતુ લોભામણી યોજનાઓમાં રોકાણની રકમ સલવાઇ ન જાય તેનું ધ્યાન રાખશો. આપ મિટિંગ, સેમીનાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશો. મિત્રોને બરાબર જાણ્યા કે સમજ્યા વગર તેમની સાથે નાણાંનો વ્યવહાર કરવો નહીં. આપને આપના તથા જીવનસાથી અને સંતાનોના આરોગ્‍ય અંગે વિશેષ કાળજી લેવાની ચેતવણી છે. તેમની સાથે સંબંધોમાં પણ સાચવવું પડશે કારણ કે ગુસ્સાના કારણે તમારી વચ્ચે તણાવ થઇ શકે છે. કુટુંબનો માહોલ ધીમે ધીમે સુધરવા લાગશે. વિવાહિતોને એકબીજા સાથે ઘનિષ્ઠતા રહે પરંતુ બોલવામાં સંયમ રાખવો. વિદ્યાર્થીઓને ઉતાવળે આગળ ના વધવાની સલાહ છે. કમરમાં દુખાવો, પિત્ત જેવી બીમારી હોય તેમણે સ્વાસ્થ્ય સંભાળવું પડશે.

મિથુન: સપ્તાહની શરૂઆતમાં નોકરીમાં ઉપરી અધિકારીઓનું વલણ નકારાત્‍મક રહેતાં ચેતીને ચાલવું પડે. જોકે તમારી બુદ્ધિમતા અને સર્જનાત્મકતા સારો સાથ આપશે. પહેલાં ચરણમાં તમારું મન વધુ વ્યાકુળ રહેવાથી તેની અસર તમારા કામ અને સંબંધો પર પડશે. રાજકીય મુશ્‍કેલીઓના કારણે આપનું કામ ખોરંભે ચડે. મહત્‍વના કામ કે નિર્ણય હાલ પૂરતા મુલતવી રાખવાની સલાહ છે. જોકે, તા.5ના મધ્યાહન પછી સ્થિતિમાં ઘણો સુધારો આવશે. વિવિધ લાભોથી આપના હર્ષોલ્‍લાસમાં બમણો વધારો થશે. પરિવારમાં સંતાનો સારા અને લાભદાયક સમાચાર આપશે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદાયક અને લાભદાયક રહેશે. નોકરી- વ્‍યવસાયમાં પણ સારો લાભ થાય. આવકમાં વૃદ્ધિ થતાં આપ મનોમન હરખાશો. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્ર મળી રહે. જોકે, પહેલાથી સંબંધોમાં હોય તેમણે અત્યારે પોતાના સાથીને સંબંધોમાં વધુ અવકાશ આપવો પડશે અન્યથા તમારી વચ્ચે ખોટી ગેરસમજ ઉભી થઇ શકે છે. ખોટા કાર્યો પાછળ શક્તિનો વ્‍યય ના થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો કે પરિવારના સભ્‍યો સાથે ઉત્તમ સમય પસાર કરશો.

કર્ક:આપના મનમાં જાત જાતના વિચારોના તરંગ ઉઠશે. શરૂઆતનું ચરણ પ્રેમસંબંધો માટે સારું છે. મધ્યમાં તમારું મન થોડુ વ્યાકુળ રહે માટે સાચવજો પરંતુ અંતિમ ચરણમાં તમે ફરી ઉત્સાહમાં આવી જશો. આપનામાં લાગણીશીલતા વધશે. સપ્તાહના મધ્યમાં આપને ચર્ચા કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવાની સલાહ છે. કામનો બોજ માનસિક રીતે થોડા થકવી નાખશે. વિદ્યાર્થીઓને અંતિમ ચરણમાં કોઈપણ અવરોધ દૂર થશે તેમ જ એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકશે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પહેલાં બે દિવસમાં કુંવારા જાતકોનાં લગ્નનો માર્ગ મોકળો થશે. વેપારમાં તેમ જ નોકરીમાં ભાગદારીમાં અથવા ટીમવર્કમાં આવક વધશે. નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરી શકશો અથવા નવા કરારો કરી શકશો. નાણાંકીય સ્થિતિ પણ સારી રહેવાથી નવા કપડાં, ઘરેણાં અને વાહનની ખરીદીના યોગ છે. નોકરી ધંધાના સ્‍થળે હિતશત્રુઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરે પરંતુ તેમની કોઇ ચાલ સફળ નહીં થાય. કામમાં વધારે મહેનતની તૈયારી રાખવી પડશે. સપ્તાહના મધ્યમાં તમને એકાંતમાં રહેવાનું અથવા પોતાના વિચારોમાં મગ્ન રહેવાનું વધુ ગમશે.

સિંહ:આ સમયમાં મિત્રો સાથે દેખાદેખીમાં વધારે પડતો ખર્ચ ન થાય તે જોજો. શરૂઆતના ચરણમાં પ્રોફેશનલ મોરચે નિર્ધારિત કાર્યો પાર પાડી શકો. આર્થિક પ્રગતિના યોગ છે પરંતુ ખાસ કરીને શેરબજાર અથવા સટ્ટાકીય કાર્યોમાં અત્યારે મજા નહીં આવે. શુભેચ્‍છકો અને મિત્રો સાથેની મુલાકાત આપને હર્ષિત કરશે. નોકરી-વ્‍યવસાયમાં આપ આપની આવડત અને ખંતના જોરે બધાને પ્રભાવિત કરી હિતશત્રુઓની બોલતી બંધ કરી દેશો. સપ્તાહના મધ્યમાં ભાગીદારીના કાર્યમાં સફળતા મળવાથી આપ પ્રસન્‍નતા અનુભવશો. મધ્ય ચરણમાં પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. જોકે સંબંધોમાં અત્યારે તમે ધીમી ગતિએ આગળ વધશો અને કદાચ વર્તમાન સંબંધો તોડીને નવી શરૂઆથ કરવાનું મન થશે. જોકે, આ બાબત માત્ર પ્રેમસંબંધો માટે લાગુ પડી શકે છે. વિવાહિતો માટે સમય સારો રહેશે. છેલ્લા ચરણમાં ઘરમાં થોડુંક વિસંવાદિતાનું વાતાવરણ સર્જાશે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં નવા પ્રોજેક્ટ કે અસાઈન્મેન્ટ તૈયાર કરવામાં સમય પસાર થશે. આખા સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે.

કન્યા: સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધો પર વધુ ધ્યાન આપશો. પ્રેમસંબંધોમાં મુલાકાત અને પ્રપોઝ કરવા માટે સમય સારો છે. તમે પ્રેમની અભિવ્યક્તિ વધુ સારી રીતે કરી શકશો. સપ્તાહના મધ્યમાં આરોગ્‍ય નરમગરમ રહેવાથી માનસિક રીતે કામકાજમાં આપને ઓછુ મન લાગશે.કામના બોજના કારણે શરીરમાં થાક, અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય. આવી સ્થિતિમાં કામના પ્રમાણમાં પૂરતો આરામ કરવાની સલાહ છે. કામકાજ અર્થે અત્યારે ટૂંકી મુસાફરીની શક્યતા જણાઇ રહી છે. આ સમયમાં તમે મિત્રો અને ભાઇબહેનો સાથે વધુ સમય વિતાવો અને તેમના માટે ખર્ચ કરો તેવી પણ શક્યતા બનશે. પરિવારના સભ્યો સાથે શક્ય હોય ત્યાં સુધી મતભેદ ટાળવા અને મહત્વના કામ કે નિર્ણય ન લેવા. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહે શરૂઆત ઘણી સારી રહે. તમે અત્યારે સામાન્ય અભ્યાસક્રમ સિવાયનું કંઇક નવું શીખવા માટે પણ ઇચ્છા દર્શાવશો અથવા સક્રિય થશો. આ સપ્તાહમાં તમારું સ્વાસ્થ્ય આમ તો સારું જ રહે પરંતુ તા. 5ના મધ્યાહનથી 7ની સાંજ સુધી ઋતુગત સમસ્યાઓથી સાચવવું જરૂરી છે.

તુલા:સપ્તાહની શરૂઆતમાં પરિવાર તમારા માટે સર્વોપરી રહેશે. પરિવારને આરામદાયક જીવન આપવા માટે આપ ગૃહસજાવટની ચીજો, ફર્નિચર વગેરેની ખરીદી કરશો. મધ્ય ચરણમાં પ્રેમસંબંધોમાં વધુ ઝુકેલા રહો તેવી સંભાવના છે. આપ બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં વ્યસ્ત રહેશો. આપની કલ્‍પના અને સર્જનશક્તિને ખૂબ સારી રીતે ખીલવી શકશો. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતોમાં અત્યારે ઉકેલની શક્યતા વધુ જણાઇ રહી છે. છેલ્લા ચરણમાં નોકરિયાતોને બોનસ કે ઈન્સેન્ટીવ રૂપે લાભ મળશે જ્યારે વેપારી વર્ગને નવા ઓર્ડર મળશે. આપ કામકાજમાં વધારે વ્યસ્ત રહેવાથી પરિવાર પર થોડું ઓછું ધ્યાન આપી શકશો પરંતુ તેનાથી તેમને કોઈ ફરિયાદ નહીં હોય કારણ કે તેઓ જાણે છે કે છેવટે તો આપ પરિવારની સુખાકારી માટે જ મહેનત કરો છો. વિદ્યાર્થી જાતકો સપ્તાહના મધ્યમાં પોતાની કારકિર્દી બાબતે વધુ ગંભીર થશે અને અભ્યાસમાં આયોજનપૂર્વક આગળ વધવાનું વલણ રહેશે. સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ચિંતા જેવું નથી પરંતુ છેલ્લા બે દિવસમાં ભોજનની અતિશયોક્તિ ટાળવી. અત્યારે મુસાફરી વખતે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે.

વૃશ્ચિક:પરિવારમાં પુત્રો અને પત્‍ની તરફથી લાભદાયક સમાચાર મળશે. મિત્રો સાથેના મિલન મુલાકાત આપને આનંદ આપશે. વ્યવસાયિક ક્ષેત્રે આવક વધશે. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. જોકે, વાણી અને વર્તનમાં સાવધાની રાખજો. સ્વાસ્થ્ય મામલે ખાસ કરીને આંખોમાં બળતરા, ઝાંખપ કે દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે. માનસિક ચિંતા રહે. શરૂઆતના ચરણમાં વાહન ચલાવતી વખતે સંભાળવું. આપ આર્થિક મોરચે સુખાકારી ભોગવી શકશો. આધ્યાત્મિકતાની દિશામાં આગળ વધવાના પ્રયાસો કરશો. મિત્રો તથા પરિવાર સાથે આનંદથી રહેશો અને તેમના થકી આર્થિક લાભ પણ થઈ શકે છે. અત્યાર સુધી વિલંબમાં પડેલા આપના કાર્યો ધીમે ધીમે પાર પડવા લાગશે જેથી માનસિક રાહતનો અનુભવ થશે. વેપારીઓને ઉઘરાણીના કાર્યોમાં થોડો વિલંબ થઇ શકે છે. નવી યોજનાઓ હાથ ધરવા માટે શરૂઆતનો તબક્કો અનુકૂળ છે. સરકારી અથવા કાયદાકીય કાર્યોમાં ખર્ચ થાય અથવા તેના કારણે તમને મળનારા લાભો વિલંબમાં પડે તેવી શક્યતા છે. પૈતૃક મિલકતોના કાર્યો પણ અત્યારે શક્ય હોય ત્યાં સુધી છંછેડવા જેવા નથી.

ધન:થોડું સ્‍વાસ્‍થ્‍ય સંબંધી આપે ધ્‍યાન રાખવું પડે. થોડો આરામ પણ જરૂરી છે. આપના જીવનસાથીનો સપોર્ટ આપને નવી શક્તિ અને પ્રેરણા આપશે. આપ જીવનશૈલી અને રોજિંદા જીવનક્રમને સુધારવા માટે કોશિશ કરશો. તમારા મોજશોખ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તમારે આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવાની સલાહ છે. આપ અભ્‍યાસ કરતા હોવ તો મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતરવાની ઇચ્છા થશે. તેનાથી કંઇક નવું જાણી શકશો. અત્યારે પ્રેમસંબંધો અને દાંપત્ય સંબંધોમાં થોડુ સાચવવું પડશે. સંબંધો ધીમી ગતિએ આગળ વધતા હોય તેવું લાગે. છેલ્લા ચરણમાં પરિવાર સાથે તમે બહેતર સમય વિતાવી શકશો. શેરબજારમાં સરકાર હસ્તકની કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ લાભદાયી પુરવાર થશે. આ સપ્તાહે આપ પોતાની કોઠાસૂઝ અને બહુમુખી પ્રતિભાનો પરિચય આપી શકશો. અત્યારે આમ તો તમારું સ્વાસ્થ્ય જળવાઇ રહેશે પરંતુ વ્યાપક રીતે જોવામાં આવે તો, તમારામાં અશક્તિ અને નબળાઇ વધુ રહેશે જેથી કામના પ્રમાણમાં આરામ તેમજ પૌષ્ટિક આહાર પર વધુ ધ્યાન આપવું પડશે.

મકર: સપ્તાહની શરૂઆતમાં તમારામાં ઉત્સાહ સારો રહે જેથી અધુરા કામ પૂરા કરશો, નવા કામ શરૂ કરશો અને તે પૂર્ણ કર્યા બાદ નવા કામની આશા રાખશો. તમારા હાથ નીચે કામ કરતી વ્‍યક્તિઓ સાથે વ્‍યવહારિક રહેવું. બહુ લાગણીશીલ બનવાની જરૂર નથી. કામની વ્યસ્તતાને કારણે આપ થાક પણ અનુભવો તેથી તબિયત તો કોઇપણ સંજોગોમાં સાચવવી જ પડશે. સગાંસ્‍નેહીઓ સાથે આપ બહાર જાઓ. ચિત્તમાં પ્રસન્‍નતા છવાયેલી રહેશે. આ સમયમાં કેટલાક લાભો મળવાની પણ શક્યતા છે. સપ્તાહના અંતિમ ચરણમાં આપને મિત્રોનો સહકાર મળશે. શારીરિક તાજગીનો અનુભવ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. ઘરમાં કોઈ સુખદ પ્રસંગ બની શકે છે. માંગલિક પ્રસંગોમાં પણ જવાનું થાય તેવી શક્યતા છે. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય એકંદરે સારૂં રહે. જુની બીમારી હોય તેમણે સારવારમાં જરાય ગાફેલ રહેવું નહીં. છેલ્લા ચરણમાં તમે પરિવારજનો સાથે પર્યટન સ્થળે જાવ તેવી પણ શક્યતા છે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકશો.

કુંભ: આ સપ્તાહે શરૂઆતમાં થોડુ સંભાળવું પડશે કારણ કે તમારું મન વધુ ચંચળ અને બેચેન રહેવાથી કામમાં મન ઓછુ લાગશે. નિર્ણયો લેવામાં મુશ્કેલી વર્તાશે અને અન્ય લોકો સાથે સંબંધો જાળવવામાં પણ વિશેષ પ્રયાસ કરવા પડશે. જોકે, આ સ્થિતિથી નિરાશ થવાની જરૂર નથી કારણ કે બીજા ચરણથી તમારામાં ઉત્સાહ અને પ્રસન્નતા વધશે. પરિવારમાં સુલેહ-શાંતિ જળવાતા રાહત અનુભવાય. ભાગ્‍યવૃદ્ધિ તક મળી શકે છે. ખાસ કરીને વિદેશ સાથે સંકળાયેલા જાતકોને વિદેશથી શુભ સમાચાર મળે. વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોનો માર્ગ મોકળો થશે અથવા તે દિશામાં પ્રગતિ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કામકાજમાં આપને કોઈને કોઈ પ્રકારે પ્રોત્‍સાહન મળવાથી આપનો ઉત્‍સાહ બમણો થશે. પરિવારના અન્‍ય સભ્‍યો સાથે નિકટતા વધશે તેમજ તેઓ પણ આપને પુરતો સહકાર અને સમર્થન આપશે. આપની આવડત અને સિદ્ધિઓના કારણે સમાજમાં તેમ જ ઘરમાં માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય એકંદરે સારું રહેશે. સ્‍ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. અપરીણિતોને યોગ્ય જીવન સાથી મળતા ટૂંક સમયમાં લગ્ન નક્કી થાય તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details