મેષ : આપને નાણાકીય બાબતોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. વાદવિવાદમાં ઉતરવાવાનું ટાળવાથી પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ઉભા થતા પહેલા જ તેને રોકી શકો છો. ખાવાપીવામાં થોડીક સાવચેતી આપનું સ્વાસ્થ્ય સુધારશે. સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખજો. વ્યર્થ નાણાંના ખર્ચથી બચવા પૂર્વાયોજનથી ખર્ચ કરવો. ઘર પરિવાર અને કાર્યક્ષેત્રમાં આપે બાંધછોડનું વલણ અપનાવવું ફાયદાકારક નીવડે. આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડે.
વૃષભ :આપનો વર્તમાન દિવસ શુભફળદાયી નીવડશે. આજના દિવસે આપ તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. આપનામાં રહેલી કલાત્મક અને સર્જનાત્મક ખૂબીઓને બહાર લાવી શકશો. આર્થિક બાબતોનું સારી રીતે આયોજન કરી શકો. ધનલાભની શક્યતા જણાય. કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનોરંજન, વસ્ત્રાભૂષણો પાછળ ખર્ચ થાય.
મિથુન : આપને વાણી અને વર્તનમાં કોઇની સાથે ગેરસમજ ના થાય તે માટે તમારા શબ્દોમાં સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી પોતાની વાત ટૂંકમાં પતાવવી. પરિવારજનો સાથે પ્રેમ અને હૂંફની લાગણી વધારવાની સલાહ છે. અતિશય ઉતાવળ ટાળવી જેથી અકસ્માતથી બચી શકો. આપની પ્રતિષ્ઠા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે. મનોરંજન અને મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. આપે માનસિક શાંતિ રાખવાની જરૂર છે.
કર્ક : આજનો દિવસ નવું કામ શરૂ કરવા અને નાણાંકીય યોજના બનાવવા માટે સારો છે. આપને વેપાર ધંધામાં ફાયદો થઇ શકે, નોકરિયાતોને હોદ્દામાં બઢતી મળશે અને આવકમાં વધારો થતા આપ સંતોષ અને ખુશી અનુભવશો. મિત્રો અને સગા-સ્નેહીઓ પાસેથી સારા સમાચાર મળે. શુભ પ્રસંગો બને, લગ્ન માટે સંજોગો ઊભા થાય. રોમાન્સ માટે સમય સારો છે. આપ સુખમય દાંપત્યજીવન માણી શકશો.
સિંહ : આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે ફાયદાકારક છે. આપ કામથી સૌને પ્રભાવિત કરશો. મનની દૃઢતા અને આત્મવિશ્વાસને કારણે આપ સારી રીતે આપનું કાર્ય પૂર્ણ કરી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામના વખાણ કરશે. પદોન્નતિની શક્યતા પણ છે. પિતાથી લાભ મળી શકે. જમીન અને વાહનને લગતા કામ પતાવવા સમય યોગ્ય છે. રમત અને કલાજગતમાં પોતાની નિપુણતા બતાવવા માટે પણ સમય સારો છે.
કન્યા :આજે આપનો દિવસ ધાર્મિક કાર્યમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશ જવાની તક માટે થોડી રાહ જોવી પડશે. સહોદરોથી લાભ મેળવી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવું પડશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપના શરીર અને મન સ્વસ્થ રહેશે.