મેષઃ લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.
વૃષભઃ આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષિત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.
મિથુનઃ દ્વિધામાં અટવાતું આપનું મન અગત્યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અભાવ રહે.
કર્કઃ આજના દિવસ દરમ્યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સંગાથથી મન રોમાંચિત બને. અન્યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્માન મળે.
સિંહઃ આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી રહેશે. કુટુંબના સભ્યો સાથે આપ સારી રીતે સમય વીતાવો. તેમનો સાથ સહકાર પણ સારો મળશે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવકનું પલ્લું નમતું રહે. સ્ત્રી મિત્રો આજે તમારી સહાયક બનશે. વાકછટાથી દરેકને વશ કરી શકશો. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેના કોમ્યુનિકેશનથી આજે લાભ થાય. ગણતરીપૂર્વકનું પ્લાનીંગ કરવા જતાં લાંબા અને વધુ પડતા વિચારોના કારણે માનસિક દ્વિધામાં ગુંચવાયેલા રહેશો.
કન્યાઃ આપનો આજનો દિવસ એકંદરે સારી રીતે પસાર થશે. તન અને મન પ્રસન્ન રહેશે. મિત્રો- સ્નેહીઓ સાથે તાજગીસભર ઉલ્લાસપૂર્ણ મિલન થાય. સુંદર ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિથી આપ સંતોષ અનુભવો.