નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રવિવારે ઉત્તર-પૂર્વી વિસ્તારમાં બાબરપુર અને રોહતાશ નગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સભાને સંબોધન કર્યુ હતું. રેલીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 8 ફેબ્રુઆરીના રોજ મતદાન છે. જેના પગલે વિચાર વિમર્શ સાથે તમે તમારા ઉમેદવારને પસંદ કરો. શાહે ભાજપ ઉમેદવાર જિતેન્દ્ર મહાજન અને બાબરપુર ઉમેદવાર નરેશ ગૉડ માટે લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી. સભાને સંબોધન કરતા ગૃહપ્રધાન અમિત શાહે શાહીનબાગને લઇને કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, વિપક્ષ પાર્ટીઓ લોકોને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકી રહી છે.
કમળનું બટન દબાવો અને ભણકારા શાહીનબાગ સુધી પહોંચશેઃ અમિત શાહ
ઉત્તર-પૂર્વ લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતું. આ સમયે અમિત શાહની સાથે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હાજર હતાં. લોકોને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ કમળના ચિન્હનું બટન દબાવો, જેનો ભણકાર શાહીનબાગ સુધી પહોંચે. કારણ કે 5 વર્ષ સુધી શાસન કર્યા બાદ પણ કેજરીવાલ સરકાર લોકોને છેતરી રહી છે.
CM કેજરીવાલ પાસે માંગ્યો જવાબ
અમિત શાહે સંબોધન કરતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, સરકાર શિક્ષામાં, સ્વાસ્થ્યમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભલે ફેલ હોય, પરંતુ ખોટુ બોલવામાં નંબર-1 છે. આજે હજુ પણ ખોટુ બોલવાની સ્પર્ધા હોય તો તેમાં કેજરીવાલ નંબર 1 પર આવે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, કેજરીવાલે કહેતા હતા કે, 500 સ્કૂલ બનાવીશું, જેમાંથી કેટલી બની?, કેજરીવાલ કહેતા હતા કે, 50 કોલેજ બનાવીશું, કેટલી બની? કેજરીવાલ કહેતા હતા કે, ફ્રી વાઇફાઇ આપીશું, દિલ્હીને ચોખ્ખુ પાણી આપીશું, કેટલુ આપ્યું, આ તમામ બાબતોનો જવાબ આપો.