એપલ કંપનીએ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC), વ્હાઇટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સ અને ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી સાથે મળીને આ વેબસાઇટ તથા એપની શરૂઆત કરી છે.
"તમને માહિતી મળતી રહે, લક્ષણોને સમજી શકો અને તમારા કુટુંબની સુરક્ષા માટેના પણ યોગ્ય પગલાં લઈ શકો તો તે માટે આ કરવામાં આવ્યું છે," એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
"હંમેશની જેમ તમારી માહિતી તમારી જ છે અને તમારું ખાનગીપણું જાળવી રાખવામાં આવશે. સલામત રહો અને તંદુરસ્ત રહો," એમ તેમણે ઉમેર્યું હતું.
વેબસાઇટ અને એપ શરૂ કરવા પાછળનો હેતુ "COVID-19ને કારણે અમેરિકા ભીંસમાં છે ત્યારે દેશભરમાં લોકોને સરળતાથી ભરોસાપાત્ર માહિતી મળી શકે અને માર્ગદર્શન પણ મળી શકે તેવો છે."
એપલ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે સ્ક્રિનિંગ ટૂલમાં તમે જવાબ આપો તે કંપની એકઠી કરીને સ્ટોર કરવાની નથી. કંપનીના સીઈઓ ટીમ કૂકે ટ્વીટ કરીને આ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે એપલે CDC સાથેની ભાગીદારીમાં વેબસાઇટ અને એપ તૈયાર કર્યા છે.
"સાઇટને સારી રીતે ચલાવવા માટે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો તેવી થોડી માહિતી એપલ એકઠી કરે છે. આ રીતે એકઠી કરાયેલી માહિતીમાં વ્યક્તિગત રીતે તમને ઓળખવામાં આવશે નહિ," એમ કંપનીએ જણાવ્યું હતું.
ગૂગલે પણ ગયા અઠવાડિયે કોરોના વાયરસ વિશે માહિતી આપતી તથા સુરક્ષા જાળવવા માટેની ટીપ્સ આપતી સત્તાવાર માહિતી સાથેની શૈક્ષણિક વેબસાઇટ શરૂ કરી હતી.
એપલ સ્ટોરે ટ્વીટ કર્યું હતું કે COVID-19 એપ વિશ્વાસપાત્ર સ્રોતો સાથે મળીને તૈયાર કરાઇ છે અને કોરોના વાયરસ વિશે તેના પર તાજી અને સચોટ માહિતી આપવામાં આવે છે.
ગૂગલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે google.com/covid19 વેબસાઇટ વાયરસ વિશે "શિક્ષણ, તેનો બચાવ અને સ્થાનિક ધોરણે મદદ ક્યાં મળે છે તે બાબત પર કેન્દ્રીત છે. લોકો અહીં રાજ્યો આધારિત માહિતી મેળવી શકે છે. સાથે જ સલામતી અને ચેપ ટાળવા માટેની ટીપ્સ મેળવી શકે છે અને COVID-19 સાથે સંકળાયેલા સર્ચ ટ્રેન્ડની માહિતી મેળવી શકે છે. સાથે જ વ્યક્તિઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને બિઝનેસ માટે અહીં સ્રોતો ઉપલબ્ધ થઈ શકે છે.