નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ફરીવાર લોકડાઉન જાહેર કરવાની માગ કરતી અરજીઓને દિલ્હી હાઇકોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેને પગલે ફરી એકવાર દિલ્હીમાં લોકડાઉન જાહેર થઈ જવું જોઈએ. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતીક જલાનની બેંચે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરતા તમામ અરજીઓને રદ કરી હતી.
દિલ્હીમાં ફરીવાર લોકડાઉન જાહેર કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં રદ - Delhi Corona cases
દિલ્હીમાં ફરીવાર લોકડાઉન જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓને દિલ્હી હાઇકોર્ટે રદ કરી દીધી છે. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતીક જલાનની બેંચે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
અરજીકર્તા વકીલ અનીરબાન મોંડલે અરજીમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારે પોતે સ્વીકાર્યુ છે કે જૂનના અંત સુધીમાં દિલ્હીમાં કોરોના કેસ વધીને સવા બે લાખ તેમજ જુલાઈ મહિનાના અંત સુધીમાં સાડા પાંચ લાખ થઈ જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહી. આવા સમયમાં કેન્દ્ર દ્વારા ફરી એકવાર લોકડાઉનની જાહેરાત થવી જોઇએ. ડોકટર્સ અને આરોગ્ય તજજ્ઞોની એક ટીમ બનાવી કોરોના વિશેની બ્લુ પ્રિન્ટ તૈયાર થવી જોઇએ.
ઉપરાંત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કોરોના સંક્રમણ ઓછું હતું. લોકોને દિલ્હીમાં આવનજાવન તેમજ સામાજિક પરિવહનની છૂટ આપ્યા બાદ અને હોટલો, મોલ્સ અને ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી અપાયા બાદ કેસની સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર, પરીક્ષણની સુવિધાઓ ની પણ ભારે તંગી છે. આ સમયે જો સંક્રમણ વધે તો પરિસ્થિતિ હજુ ભયંકર થઈ શકે છે.