નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં આવેલા 122 મલેશિયન નાગરિકોને જામીન આપ્યા છે. ચીફ મેટ્રોપૉલિટન મેજીસ્ટ્રેટ ગુડ મોહિના કૌરે મલેશિયન નાગરિકોને દસ-દસ હજાર રૂપિયા પર જામીન આપ્યા છે.
સાકેત કોર્ટે 956 વિદેશી નાગરિકોની વિરૂદ્ધમાં 59 ચાર્જશીટ પર સુનાવણી કરતા તમામ વિદેશી નાગરિકોને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. આ વિદેશી નાગરિકોએ માર્ચ મહિનામાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર્જશીટમાં આ વિદેશી નાગરિકો પર વિઝાના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે, આ વિદેશી નાગરિકોએ કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનોનું ઉલ્લંઘન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2 જૂને દિલ્હી હાઈકોર્ટે સલાહ આપી હતી કે, તબલીગી જમાતના વિદેશી નાગરિકોની વિરૂદ્ધમાં કેસના મામલે સુનાવણી કરતી વખતે આરોપી પોતાની ભૂલ સ્વીકારી ચુક્યા હોય અથવા સમાધાન થઈ શકે તેમ હોય તેવા મામલાઓને પ્રાથમિકતા આપવામાં આવે. હાઈકોર્ટે સાકેત કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને આદેશ કર્યો હતો કે, આ મામલાની સુનાવણી માટે એક તારીખ નક્કી કરવામાં આવે, જેથી આ મામલે જલ્લી નિવારણ આવે.
હાઈકોર્ટે સાકેત કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને સલાહ આપી હતી કે, પહેલા તબલીગી જમાતના આરોપીઓના દેશ પ્રમાણે અલગ કરવામાં આવે. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવે તેમાં જો આરોપી પોતાના પર લાગેલા આરોપ સ્વીકારે અથવા સમાધાનની શક્યતા હોત તેવા મામલે ઝડપથી સુનાવણી કરવામાં આવે.