બેંગાલુરુઃ શહેરની 15 શાળાઓમાં શુક્રવાર સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીના સમાચાર ફેલાતા જ વાલીઓ શાળાએ ધસી ગયા હતા. તેઓ પોતાના બાળકોને શાળામાંથી ઘરે લઈ ગયા હતા. અસામાજિક તત્વોએ "સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ રાખવામાં આવ્યા છે" તેવી ધમકી ઈમેલમાં મોકલી છે. કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં 15 શાળાઓમાં આવા ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે.
જે શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે તેમાં નેશનલ, વિદ્યા શિલ્પ, એનપીએસ અને અબેનેઝરનું હેબાગોડી કેમ્પસનો સમાવેશ થાય છે. આજે સવારે સામાન્ય રીતે શાળાઓ શરુ થયા બાદ સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને મેલબોક્ષમાં આવા ધમકીભર્યા ઈમેલ જોવા મળ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક વર્ગો બંધ કરાવ્યા અને વિદ્યાર્થીઓને ઘરે રવાના કરી દીધા. અનેક શાળાઓમાં બોમ્બની ધમકી મળી હોવાના ઈમેલના સમાચાર ફેલાઈ જતા સમગ્ર શહેરમાં તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
પોલીસને જાણ થતાં જ પોલીસ શાળાઓ પર ધસી ગઈ હતી. પોલીસે સ્તવરે શાળાની ઈમારતોનું સઘન પરિક્ષણ હાથ ધર્યુ હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ શાળાઓમાં પહોંચી ગઈ હતી. બોમ્બ શોધવાના કામમાં સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ રહી છે. વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું અને તેઓ તાબડતોબ શાળાએ પહોંચીને પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. શાળાના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને પણ શાળામાંથી બહાર મોકલી દેવામાં આવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, બેંગાલુરુની અનેક શાળાઓમાં બોમ્બની ધમકી મળતા જ સદાશિવનગરની એનઈવી સ્કૂલની મુલાકાત લઈને તેનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે અને પોલીસને યોગ્ય કાર્યવાહી માટે સૂચિત કરી દેવાઈ છે.
- fake bomb threat in Bangalore: બેંગલુરુમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- Bomb Threat : દિલ્હીની ભારતીય શાળાને બોમ્બની મળી ધમકી, પરિસર ખાલી કરાવ્યું