હૈદરાબાદ:BCCIએ અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે. આ ટીમમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ટોચના ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે, જેના કારણે તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. ટીમમાં 6 નિષ્ણાત બેટ્સમેનોની સાથે 2 વિકેટકીપર બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 2 સ્પિનરો અને 3 ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની હાજરીથી ટોપ ઓર્ડર મજબૂત દેખાય છે. મિડલ ઓર્ડરની જવાબદારી તિલક વર્મા, જીતેશ શર્મા અને સંજુ સેમસન પર રહેશે. જ્યારે રિંકુ સિંહ અને શિવમ દુબે ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે.
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણની કમાન ડાબોડી સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના હાથમાં રહેશે. જેમને અવેશ ખાન અને મુકેશ કુમારનું સમર્થન મળશે. સ્પિન વિભાગ કુલદીપ યાદવ સંભાળશે, જેણે વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી.