નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 2023 સોમવારે શરુ થવા જઈ રહ્યું છે. સત્ર અગાઉ સંસદના પુસ્તકાલય ભવનમાં આજે સર્વદળીય બેઠક મળી હતી. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ શિયાળુ સત્રમાં કામગીરીનો ક્રમ અને એજન્ડા પર ચર્ચા માટે આ બેઠક બોલાવી હતી. 4 ડિસેમ્બરથી શરુ થતું શિયાળુ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં 15 બેઠકો યોજાશે.
સર્વદળીય બેઠક સંપન્ન થયા બાદ સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યુ કે, સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આજની સર્વદળીય બેઠકમાં 23 પાર્ટીઓ અને 30 નેતા હાજર રહ્યા હતા. શૂન્યકાળ નિયમિત થતો રહે છે. દરેક પક્ષે મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા થાય તે માટે જરુરી વાતાવરણ બનાવી રાખવા આગ્રહ કર્યો હતો. દરેક ચર્ચાઓ નિયમ અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન થાય તે રીતે થવી જોઈએ.
સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જાણકારી અનસાર સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા 2 ડિસેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી હતી. સામાન્ય રીતે સર્વદળીય બેઠક સત્ર શરુ થવાના એક દિવસ પહેલા બોલાવવામાં આવે છે પરંતુ આ વખતે સત્રના એક દિવસ અગાઉ 5 રાજ્યોના પરિણામ હોવાથી સર્વદળીય બેઠક બે દિવસ વહેલા બોલાવાઈ છે.
દરેક પક્ષના નેતાઓને ગુના સંદર્ભે કાયદા અને ત્રણ પ્રમુખ વિધેયકો સહિતના એજન્ડા પર ચર્ચાની આશા છે. અત્યારે સંસદમાં 37 વિધેયક પ્રાસ્તાવિત છે. જેમાંથી 12 વિધેયક ચર્ચા અને પસાર થવા માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. 7 વિધેયક પરિચય, વિચાર અને પસાર થવા માટે શોર્ટ લિસ્ટ છે. સરકારે વર્ષ 2023-24 માટે અનુદાનની અનુપૂરક માંગોની પહેલી બેચ રજૂ કરવાની યોજના પણ બનાવી છે. સત્ર દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ કેશ ફોર ક્વેરી આરોપોનો રિપોર્ટ એથિક કમિટિ રજૂ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા આરક્ષણ વિધેયક મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવશે.
- Supreme Court on MP & MLA: સુપ્રીમ કોર્ટે સંસદ અને ધારાસભ્યોને લાંચ આપવાના 1998ના ચુકાદાનું પુનઅવલોકન શરૂ કર્યુ
- Women Reservation Bill : લાંબા સમયથી અટવાયેલા મહિલા અનામત બિલના વિરોધી કોણ છે અને શા માટે, જાણો આ અહેવાલમાં...