મધ્યપ્રદેશ :17 નવેમ્બરના રોજ મતદાન બાદ શિવપુરી જિલ્લાના ચકરામપુર ગામમાં કુશવાહા અને ભદૌરિયા પરિવારના બે જૂથ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં શનિવારે ગ્વાલિયરમાં સારવાર દરમિયાન ભદૌરિયા પરિવારના 3 લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે કુશવાહ પરિવારના એક યુવકને ગોળી વાગી હતી. જેની ગ્વાલિયરમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં શુક્રવારે રાત્રે જ પોલીસે બંને પક્ષો સામે મારામારી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજ રોષે ભરાયો : શિવપુરી જિલ્લાના ચકરામપુરમાં ચૂંટણી પછીની હિંસામાં ભદૌરિયા પરિવારના 3 લોકોના મોત બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા નરવર પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમની માંગણી હતી કે પોલીસ આરોપીઓની જલ્દી ધરપકડ કરે અને આ જઘન્ય હત્યાને અંજામ આપનાર આરોપીઓના ઘર તોડી પાડવામાં આવે.
આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યું : સારવાર દરમિયાન એક પક્ષના 3 લોકોના મોત થતા નરવર પોલીસ સ્ટેશન સામેના રોડ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને શનિવારે મોડી સાંજે આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ત્રણ લોકોના મોત અને ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શન બાદ વહીવટીતંત્ર દ્વારા હત્યાકાંડને અંજામ આપનાર 4 આરોપીઓના ઘરને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
શું હતો મામલો ? ચકરામપુર ગામમાં લગભગ બે મહિના પહેલા કુશવાહા અને ભદોરિયા પરિવાર વચ્ચે ગણેશ વિસર્જનમાં ડીજે વગાડવાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદમાં કુશવાહ પરિવારના એક યુવકને ગોળી વાગી હતી. ત્યારથી બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર 17 નવેમ્બર શુક્રવારના રોજ મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના પોલિંગ એજન્ટ બનેલા લક્ષ્મણ ભદૌરિયાનો કુશવાહા પરિવાર સાથે ફરી વિવાદ થયો હતો. આ ઘર્ષણમાં ભદોરિયા પરિવાર દ્વારા ચાલેલી ગોળીથી કુશવાહા પરિવારનો એક યુવક ઘાયલ થયો હતો.
લોહિયાળ હત્યાકાંડ : આ બનાવ બાદ કુશવાહ પક્ષના વર્ચસ્વ ધરાવતા ચકરામપુર ગામમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ભદોરિયા પરિવાર પોતાની બોલેરો કારમાં ગામમાંથી ભાગી રહ્યો હતો ત્યારે કુશવાહા સમાજના 35 થી 40 લોકોએ તેમને ઘેરી લીધા હતા. આરોપ છે કે જ્યારે લોકો કારમાંથી બહાર ન નીકળ્યા તો ગુસ્સે થયેલા ટોળાએ કાર પર પેટ્રોલ અને ડીઝલ નાખીને આગ લગાવી દીધી હતી. જોકે ભદોરિયા પરિવાર કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ થયો ત્યારે કુશવાહા સમાજના લોકોએ તેમના પર લાકડી અને કુહાડીથી હુમલો કર્યો હતો.
3 લોકોના મોત : આ હુમલામાં ચકરામપુરની રહેવાસી 42 વર્ષીય આશાદેવી ભદોરિયા અને તેના 20 વર્ષીય ભત્રીજો અમર સિંહ ઉર્ફે હિમાંશુ તથા 45 વર્ષીય લક્ષ્મણ ભદોરિયાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આશાદેવીના પતિ મુન્ના ભદૌરિયા, બે પુત્રો રાજેન્દ્ર અને ભોલા ઉર્ફે યોગેન્દ્ર સિંહ અને ભત્રીજો સૌરભ સેંગર ઘાયલ થયા હતા. ચકરામપુર રહેવાસી દિનેશને પણ હાથમાં ગોળી વાગી હતી.
12 આરોપીઓની ધરપકડ : આ અંગે માહિતી આપતાં કરૈરા SDOP શિવનારાયણ મુકાતીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી પોલીસે આ હત્યાકાંડને અંજામ આપનારા 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધમાં પોલીસની ટીમો પણ સતત દરોડા પાડી રહી છે. પોલીસની સાથે વહીવટી તંત્રએ પણ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરી 4 મકાનો તોડી પાડ્યા છે.
- ઝારખંડના ગિરિડીહમાં થયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6 લોકોના કરુણ મૃત્ય
- શિવપુરી જિલ્લામાં મતદાન બાદ મોડી રાત્રે બે જૂથો વચ્ચે લોહીયાળ અથડામણ, 3 લોકોના મોત