- કેરળમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ
- અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ
- ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી 12 લોકો ગુમ
તિરુવનંતપુરમ, કેરળ : શનિવારે રાજ્યમાં ભારે વરસાદને ( Heavy Rainfall in Kerala )કારણે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. પૂર અને ભૂસ્ખલનને (Landslides) કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન થતા 12 લોકો ગુમ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
હજૂ પણ 12 લોકો ગુમ
આર્મી અને NDRF દ્વારા રવિવારે સવારે ભૂસ્ખલનમાં ગુમ થયેલા લોકોની શોધ ફરી શરૂ કરવામાં આવી છે. તાજેતરની મળતી માહિતી પ્રમાણે, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં હજુ પણ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ઘણાં મકાનો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણાં મકાનો નાશ પામ્યા છે. હાલ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઇડુક્કી, કોટ્ટાયમ અને પઠાણમથિટ્ટા જિલ્લાના લોકો વીજળી કાપ અને અન્ય અસુવિધાઓનો સામનો કરી રહ્યા છે.