- સંરક્ષણ પ્રધાને આતંકવાદી હુમલાની ટીકા કરી
- હુમલામાં CO સહિત 5 જવાનો શહીદ થયા
- કર્નલની પત્ની અને દીકરાનું પણ મોત
ઇમ્ફાલ: મણિપુરના ચુરાચાંદપુરમાં શનિવારના આતંકવાદીઓના એક ગ્રુપે આસામ રાઇફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો. આ હુમલામાં CO સહિત આસામ રાઇફલના 5 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં તેમના પરિવારના પણ 2 સભ્યોના મોત થયા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મણિપુરના મુખ્યપ્રધાને હુમલાની ટીકા કરી છે.
કર્નલની પત્ની અને દીકરાનું પણ ઘટનાસ્થળે મોત
46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના કાફલા પર આતંકવાદીઓએ સિંઘાટ સબ-ડિવિઝનમાં હુમલો કર્યો હતો. જ્યારે હુમલો થયો ત્યારે અધિકારી પોતાના પરિવારના સભ્યો અને ક્વિક એક્શન ટીમની સાથે યાત્રા કરી રહ્યા હતા. હુમલામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી સહિત 5 જવાન શહીદ થયા છે. કર્નલની પત્ની અને દીકરાનું પણ ઘટનાસ્થળે મોત થયું છે.
આતંકવાદી હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને સ્વીકારી નથી
કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ કાફલા પર હુમલો એ સમયે કર્યો જ્યારે આસામ રાઇફલ્સની 46મી બટાલિયનના કર્નલ મ્યાંમારની સરહદથી અડીને આવેલા ચુરાચાંદપુરમાં એક નાગરિક કાર્યક્રમ પર નજર રાખવા માટે જઇ રહ્યા હતા. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'મણિપુરના ચુરાચાંદપુરમાં થયેલા હુમલામાં આસામ રાઇફલ્સના 4 જવાન, એક અધિકારી શહીદ થયા છે. અધિકારીની પત્ની અને 8 વર્ષના બાળકના મોત ઉપરાંત 4 અન્ય જવાન ઘાયલ થયા છે.' સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે લખ્યું કે, 'મણિપુરના ચુરાચાંદપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર કાયરતાપૂર્વકનો હુમલો અત્યંત પીડાદાયક અને નિંદનીય છે. દેશે CO 46 AR અને પરિવારના 2 સભ્યો સહિત 5 બહાદુર સૈનિકો ગુમાવી દીધા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. જલદી દોષીઓને ન્યાયના કઠેડામાં ઉભા કરવામાં આવશે.'
આ પણ વાંચો: મહેબૂબા મુફ્તીએ BJP-RSSને સાંપ્રદાયિક સંગઠન ગણાવતા કહ્યું- "ધર્મના નામે હિંસા ફેલાવે છે"
આ પણ વાંચો:DELHI AIR POLLUTION : સુપ્રીમ કોર્ટે કહ્યું- "શક્ય હોય તો 2 દિવસનું લોકડાઉન લગાવો"