ગંગટોકઃ ઉત્તરી સિક્કિમના લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું હતું. જેના પરિણામે તીસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું છે. આ પૂરની સ્થિતિમાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ થયાની માહિતી સામે આવી છે. ઉપરાંત 22 સૈનિક જવાનો સહિત 102 લોકો લાપતા થઈ ગયા છે. 14 મૃતકો સામાન્ય નાગરિકો હતા જે સ્થાનિક હોવાની જાણકારી પ્રશાસને આપી છે. મૃતકો પૈકી 3 નાગરિકો ઉત્તર બંગાળ તરફ તણાઈ ગયા છે. સવારે લાપતા થયેલા 23 સૈનિકો પૈકી એક સૈનિકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. આ પહેલા રાજ્યપાલે રાજ્યના સિંચાઈ પ્રધાન પાર્થ ભૌમિક સાથે જલપાઈગુડી જિલ્લાના ગોઝાલડોબામાં બેઠક કરી હતી.
ચુંગથાંગ ડેમને લીધે પરિસ્થિતિ વણસીઃ સિક્કિમમાં મોડી રાત્રે શરૂ થયેલી પૂર પરિસ્થિતિ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડ્યા બાદ વધુ વકરી ગઈ છે. સિક્કિમના મુખ્ય સચિવ વી.બી. પાઠકે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા 3000થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી આપી છે. પાઠકે વધુમાં જણાવ્યું કે ચુંગથાંગમાં તીસ્તા ચરણના ત્રણ ડેમમાં અનેક કર્મચારીઓ ફસાયેલા છે. પૂરને લીધે માર્ગ વ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચ્યું છે. જેમાં કુલ 14 પુલનો નાશ થયો છે. જેમાંથી 9 પુલ BRO અને 5 પુલ રાજ્ય સરકાર હસ્તકના છે.
વડાપ્રધાનની હૈયાધારણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે સિક્કિમના મુખ્ય પ્રધાન પી.એસ. તમાંગ સાથે વાતચીત થઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવી પડેલ કમનસીબ કુદરતી આફતની સમીક્ષા કરી છે. આ પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. હું દરેક અસરગ્રસ્તની કુશળતા અને સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું. સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાના લાપતા જવાનો માટે પણ પ્રાર્થના કરી છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિએ સિક્કિમની સમીક્ષા કરી છે પ્રવાસીઓ તેમજ ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પર ભાર મુક્યો છે.
ઈંદ્રેણી પુલ ધ્વસ્તઃ એક અધિકારીએ માહિતી આપી કે રાજ્યની રાજધાની ગંગટોકથી 30 કિમી દૂર સિંગતામમાં સ્ટીલનો બનેલો એક પુલ બુધવારે તીસ્તા નદીના પાણીમાં તણાઈને ધ્વસ્ત થઈ ગયો હતો. આ પુલનું નામ ઈંદ્રેણી પુલ હતું. કેન્દ્રીય જળ આયોગના મતે બુધવારે બપોરે 1 કલાકે તીસ્તા નદીનું જળસ્તર ખતરાના નિશાનની નીચે હતું. નદીમાં પૂરની કોઈ સ્થિતિ જણાતી નહતી. મેલ્લી, સિંગતામ અને રોહતક જેવા ત્રણ શહેરોમાં તીસ્તાનું જળસ્તર ખતરાના નિશાનની નીચે છે. જો કે ક્યારે આ જળસ્તર વધી જાય તે કહેવું મુશ્કેલ છે.
પ્રવાસીની આપવીતીઃ ગંગટોકથી સિંગતામ તરફ આવતા ટ્રેકિંગ માટે કોલકાત્તાના પ્રવાસી 25 વર્ષીય રાજીવ ભટ્ટાચાર્યએ ફોન પર પીટીઆઈ-ભાષાને જણાવ્યું છે કે, અમે ખીણમાં ધસમસતું પાણી આવતું જોયું હતું. સદનસીબે હું અને મારો મિત્ર ઊંચાઈવાળા વિસ્તારોમાં હોવાને કારણે પૂરથી બચી ગયા હતા. હવે અમે પાછા ગંગટોક તરફ જઈ રહ્યા છે. નદીમાં પૂરને લીધે તીસ્તા નદીના ખીણ વિસ્તારો ડિક્ચુ, સિંગતામ અને રંગપો સહિત અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
- Panam River Flood: પાનમ નદીમાં પૂર આવતા 4 યુવાનો ફસાયા, NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ
- Heavy Rain in Himachal : હિમાચલમાં વરસાદ બાદ ભયંકર સ્થિતિ ખરાબ, પહાડો પરથી પથ્થરો પડ્યા, 828 રસ્તાઓ બંધ