વડોદરા: ‘પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજાનું જ શાસન લોકતંત્ર છે’ – અબ્રાહમ લિંકનની આ પ્રસિદ્ધ ઉક્તિ લોકતંત્રની સૌથી સરળ અને પ્રચલિત પરિભાષા છે. લોકતંત્રની આ વ્યવસ્થામાં પ્રજા જ સર્વોપરી છે અને તેમના દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો તેમનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ, લોકતંત્રના મહાપર્વ એટલે કે ચૂંટણીમાં જો પ્રજાને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવે, અથવા તો કોઈ પરિસ્થિતિઓમાં યોગ્ય ઉમેદવાર જ નજર ન આવે તો પ્રજા શું કરે ?.. આ સવાલના જવાબ માટે જ નોટા (NOTA)ના રૂપમાં ભારતના ચૂંટણી પંચે સમાધાન આપ્યું છે. (What is Nota)
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોટા:ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં યોજાવા જઈ રહી છે, મતદારો પોતાના મનપસંદ ઉમેદવારોને મત આપીને વિધાનસભામાં તેના પ્રતિનિધિ ચૂંટશે, પરંતુ શું તમને ખબર છે કે, જે મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા નથી માગતા, આમ છતાં મતાધિકારનો ઉપયોગ કરવા માગે છે અથવા તો પોતાના વિસ્તાર/વિધાનસભા ક્ષેત્રમાં ઉભેલા ઉમેદવારોમાંથી તેમને કોઈ પણ ઉમેદવાર યોગ્ય નથી લાગતું. તેવા સંજોગોમાં શું ? આવી પરિસ્થિતિમાં મતદાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોટા (NOTA - NONE OF THE ABOVE)નું બટન દબાવી શકે છે.
મતદારોને વિશેષ અધિકાર: ચૂંટણી પંચ દ્વારા મતદારોને એક વિશેષ અધિકાર આપવામાં આવે છે. જેને નોટા તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં ઉભેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવા માટે થાય છે. નોટાનું બટન ઈ. વી. એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) (EVM) માં સૌથી છેલ્લે ગુલાબી રંગનું હોય છે. જેનો ગુજરાતીમાં અર્થ ‘આપેલ પૈકી એક પણ નહિ’ એવો થાય છે. જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, ત્યારે નોટાનું બટન દબાવીને તમે ઉભેલા ઉમેદવારમાંથી તમે કોઈ પણને મત આપવા ઇચ્છતા નથી, તેવું વલણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકો છો.