સુરતના યોગા અભ્યાસુઓએ પાણીમાં કર્યું યોગાસન : ‘એક્વા યોગ’ - International Yoga Day 2024 - INTERNATIONAL YOGA DAY 2024
Published : Jun 21, 2024, 7:05 PM IST
સુરત : તન મનને સ્વસ્થ રાખતા યોગની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. યોગ વિદ્યા હવે માત્ર ભારત પૂરતું મર્યાદિત ન રહેતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી વિશ્વના છેડા સુધી પહોંચી છે. સુરત શહેરમાં નદીમાંથી ડૂબતા લોકોને બચાવનાર અને જીવનરક્ષાના કાર્યો સાથે જોડાયેલા સમાજ સેવક પ્રકાશકુમાર વેકરીયા અને તેમના સાથી મિત્રોએ સ્વિમિંગ પુલના પાણીમાં ‘એક્વા યોગ’ કરી યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી. 18 વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા અને 16 લોકોએ પાણીમાં પદ્માસન, શીર્ષાસન, ચક્રાસન, હલાસન, શવાસન, મયુરાસન, ચલ શીર્ષાસન વગેરે જેવા 12 જેટલા આસન કરી યોગ પ્રેમીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે.
પ્રકાશકુમાર વેકરીયા જણાવે છે કે, યોગ એ માત્ર એક જ દિવસ ફોટોસેશન ખાતર રજૂ કરવા માટે નહીં, પણ દૈનિક જીવનશૈલીમાં વણીને અપનાવી લેવાની પ્રવૃતિ છે. સ્વરક્ષા અને જીવનરક્ષા માટે પાણીમાં યોગ શીખવા જોઈએ. યોગ અને તરણક્રિયા વિશ્વની ઉત્તમ કસરત છે. યોગ વડે લાંબુ, શુદ્ધ અને 100 ટકા આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે.