તંત્ર ધ્યાન રાખે કે બીજા કોઈ બાળક સાથે આવી ઘટના ન બને વડોદરાઃ અત્યંત ચકચારી અને કમકમાટીભર્યા હરણી નાવ અકસ્માતનો કારમો ઘા પાણીગેટ વિસ્તારની મેમણે કોલોનીના પરિવારે સહન કર્યો છે. જેમાં આ પરિવારની બે દીકરીઓ આ પ્રવાસમાં ગઈ હતી. મોટી બહેનની આંખ સામે જ નાની બહેન પાણીમાં ડુબી ગઈ હતી. આ નાની બહેનનું મૃત્યુ મોટી બહેનથી સહન થઈ રહ્યું નથી તેણી શોકાતૂર બની ગઈ છે.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં સોફિયા અને સકીના બે બહેનો ભાડાના મકાનમાં રહે છે. તેમના પિતા રિક્ષા ચલાવે છે. ખૂબ મહેનત કરીને, પેટે પાટા બાંધીને તેમના પિતા બંને દીકરીઓને ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા હતા. જેમાં મોટી દીકરી સોફિયા ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 6માં અને નાની દીકરી સકીના આ જ શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. પ્રવાસના ગોઝારા દિવસે બંને બહેનો 7.30 કલાકે પ્રવાસે જવા નીકળી હતી. સાંજે નાની દીકરીનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો અને મોટી બહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પાણીગેટ વિસ્તાર હીબકે ચઢ્યોઃ નાની બહેન સકીનાની અંતિમયાત્રા આજે નીકળી હતી. જેમાં આખી મેમણ કોલોનીના રહીશો જોડાયા હતા. મોટી બહેન પણ નાની બહેનને અંતિમ વિદાય આપવા હાજર રહી હતી. આખો પાણીગેટ વિસ્તાર હીબકે ચઢ્યો હતો. વાતાવરણમાં શોકની કાલીમા પથરાઈ ગઈ હતી. મૃતક સકીનાના પિતાએ ભારે હૃદયે જણાવ્યું કે, હું ખૂબ મહેનત કરીને દીકરીઓને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવું છું. મારી નાની દીકરી સકીના સિનિયર કેજીથી જ તે શાળામાં ભણતી હતી. તે બહુ જ મહેનતુ અને ભણવામાં હોશિયાર હતી. સકીના તો જતી રહી પણ તંત્ર ધ્યાન રાખે કે બીજા કોઈ બાળક સાથે આવી ઘટના ન બને.
અમને વોટરપાર્કમાં લઈ જવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. અમને ખ્યાલ નહિ કે અમને લેકઝોનમાં લઈ જવામાં આવ્યા છે. બોટમાં જાણી જોઈને વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસે લાઈફ જેકેટ હતા. હું મારી નાની બહેનને બચાવી ન શકી, હું મારી બહેન વિના કેવી રીતે રહીશ?...સોફિયા(મૃતકની મોટી બહેન, વડોદરા)
- Water Sports Safety : વડોદરા દુર્ઘટના બાદ દીવ બીચ પર વોટર સ્પોર્ટ રિયાલિટી ચેક, શું છે હકીકત જૂઓ
- Harani Incident: 'નો કોમેન્ટસ'!!! હરણી દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો 'અ' સંતોષકારક જવાબ