ગુજરાત

gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉત્તર ગુજરાતને મોટી ભેટ, સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ - Two new bridges will be built

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 6:00 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.,Two new bridges will be built on State Highway 55

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Etv Bharat Gujarat)

અમદાવાદ: મુખ્યમંત્રીએ રાજ્યમાં જૂના પુલોના-માર્ગોના પુનઃબાંધકામ, મજબૂતીકરણ અને સ્ટ્રક્ચર્સની મરામત હાથ ધરીને સમયાનુકૂલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે માર્ગ-મકાન વિભાગને દિશા-નિર્દેશો આપેલા છે. તદ્અનુસાર, ઉત્તર ગુજરાતમાં રાધનપુરના ચાણસ્મા રોડ સ્ટેટ હાઇવે 55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂ. 179 કરોડના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા તેમણે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો પુલ: ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના માર્ગ પર ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર પુલ હાલ હયાત છે. આ પુલ 1965ના વર્ષમાં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. આ જૂના પુલનો લાઈફસ્પાન પૂર્ણ થઈ ગયો હોઈ, તેની સામે રોડ સેફટી અને ભવિષ્યના વધતા જતા વાહન ટ્રાફિકને ધ્યાનમાં લઈને નવો ચાર માર્ગીય પુલ બનાવવાની માર્ગ-મકાન વિભાગની દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.

આ નવો બ્રિજ હયાત પુલની બાજુમાં નિર્માણ પામશે. તથા આ બ્રિજ બનતા હાલના ટ્રાફિક ભારણના બોટલનેક નિવારી શકાશે. અંદાજે 40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા મળતી થશે.

1966માં નિર્માણ થયેલો પુલ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક પુલના ઉત્તર ગુજરાતમાં નિર્માણ માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે 55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે રૂ. 220 કરોડના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.

50 લાખ પ્રજાજનોને સરળતા: એટલું જ નહિ, હાલ દ્વિમાર્ગીય બ્રિજ હોવાના પરિણામે ટ્રાફિકજામની વાહન વ્યવહાર પર અસર પડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હયાતપુલનો લાઇફ સ્પાન પૂર્ણ થઈ જવા ઉપરાંત રોડ સેફટી અને ટ્રાફિક પરિવહનને ધ્યાને રાખીને 6 માર્ગીય પુલ નિર્માણ માટે અનુમતિ આપી છે. આ પુલનું નિર્માણ થતાં આસપાસના વિસ્તારના અંદાજે 50 લાખ પ્રજાજનોને પરિવહન માટે સરળતા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સુદ્રઢ અને મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ-મકાનના વિભાગને જૂના પુલોના પુનઃબાંધકામ, માર્ગો, પુલો અને નાળાઓના મજબૂતીકરણ, સ્ટ્રક્ચર્સ મરામત માટેના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 પુલોના પુનઃ બાંધકામ માટે 113.64 કરોડ, 126 પુલ મજબૂતીકરણ માટે 166.77 કરોડ અને 2188 પુલો-નાળા- માર્ગોના સ્ટ્રક્ચર્સની મરામત માટે 2367 કરોડ રૂપિયા ફાળવેલા છે.

  1. બિહારમાં એક અઠવાડિયામાં ત્રીજો બ્રિજ ધરાશાયી, હજુ કેટલા બ્રિજ તૂટશે ? - BRIDGE COLLAPSE IN MOTIHARI
  2. ભારતીય રેલ્વેની મોટી સફળતા, વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ 'ચિનાબ રેલ બ્રિજ' પર દોડી ટ્રેન - CHENAB RAIL BRIDGE

ABOUT THE AUTHOR

...view details